ઝાયડસ હૉસ્પિટલની સિદ્ધિ: 3 વર્ષમાં 250+ લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા

અમદાવાદ: “શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે હજારો લોકો લીવરની ગંભીર બીમારીને કારણે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હોય છે? પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશનના કારણે આવા દર્દીઓ માટે આશાનું નવું કિરણ બન્યું છે. હાલના સમયમાં બદલાયેલી લાઈફ સ્ટાઇલના કારણે લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ લીવરને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા હોય છે. બીજી તરફ ઝાયડસ હૉસ્પિટલે આરોગ્યક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે.ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાંત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલા, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને 70 વર્ષથી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈન્ક્મપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ-અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં (SLKT) અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

હેલ્થકેરમાં અગ્રણી, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જન ડૉ. આનંદ ખખ્ખર આ સંદર્ભમાં કહે છે કે, “લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દ્વારા, અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગો તેમજ વિદેશમાં પણ દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં છીએ. જેને પરિણામે ઝાયડસમાં આટલાં ઓછાં સમયમાં મોટા પ્રમાણમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.”

ઝાયડસ હૉસ્પિટલનું મિશન છે કે એવા દર્દીઓ સુધી પહોંચવું, જેમણે લીવર રોગના કારણે આશા ગુમાવી દીધી હોય. 250થી વધુ કેસના આંકડાઓ સાબિત કરે છે કે યોગ્ય સારવાર અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વસ્થ જીવન ફરીથી શક્ય છે. સમાજમાં અંગદાન અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ લોકજાગૃતિ લાવવી અતિઆવશ્યક છે અને આવી સફળતાઓથી એ કામ સંભવ બને છે.