ગૂજરાત વિદ્યાપીઠમાં યુવા ભારતી 2025

અમદાવાદ: મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય યુવા ભારતી 2025 મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે કાર્યક્રમનો થીમ “સ્વદેશી” રાખવામાં આવ્યો હતો.યુવા ભારતી કાર્યક્રમના પ્રથમ દિવસે વિદ્યાપીઠ પરિસરમાં કલા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ડ્રમ અને પરેડ સાથેની યાત્રામાં એમની કૃતિઓને લગતી વેશભૂષામાં ભાગ લીધો હતો. કલા યાત્રાના અંતે મોરારજી દેસાઈ મંડપમ ખાતે 7 વિવિધ કૃતિઓ દ્વારા “ભારતીય જ્ઞાન પ્રણાલી અને ડિજિટલ ભારત” વિષય પર આદિવાસી નૃત્ય, નાટક તથા અન્ય કલારૂપોની રજૂઆત કરવામાં આવી હતી. આ તબક્કે નિર્ણાયક તરીકે કૌશલ ઉપાધ્યાય અને અલ્પા શાહ જોડાયા હતા. ત્યારબાદ હીરક મહોત્સવ સભાગૃહ ખાતે ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વિજયગિરી બાવા અને દેવાંગી ભટ્ટ હાજર રહ્યા. દીપ પ્રાગટ્ય બાદ સંબોધનમાં વિજયગિરી બાવાએ સૌને શુભેચ્છા પાઠવી હતી. દેવાંગી ભટ્ટે પોતાના જીવન પ્રસંગો સાથે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે “વિજય-પરાજય, સુખ-દુઃખ ભ્રામક છે. જે મળ્યું એ સુખ છે અને જે ના મળ્યું એ પણ સુખ છે.” કુલપતિ ડૉ. હર્ષદ પટેલે સંબોધનમાં જણાવ્યું કે, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાય છે અને “ફેકલ્ટી ઓફ ધ યર” એવોર્ડ દ્વારા આ સક્રિય ભાગીદારીને માન્યતા આપવામાં આવશે. યુવા ભારતી જેવા કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને મંચ પૂરું પાડવાનો છે. જેથી તેઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા એમનામાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને સર્જનાત્મકતા વિકસે છે. સાથે-સાથે ભારતીય જ્ઞાન પરંપરા અને સ્વદેશી મૂલ્યો પ્રત્યે તેમની સમજ વધુ ગાઢ બને છે. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવા ભારતી 2025 અંતર્ગત મિમિક્રી, શાસ્ત્રીય ગાયન-વદન, વકતૃત્વ, નિબંધ, કોલાજ, પેઈન્ટિંગ, સુશોભન, ખાદી દીપ્તિ, ફોટોગ્રાફી, માટી કળા, રંગોળી, કાવ્ય પઠન, સમૂહગીત, નાટક, સ્કીટ, નૃત્ય વગેરે મળી કુલ 32 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. બે દિવસ યુવા ભારતી 2025 આયોજનમાં વિવિધ સર્જનાત્મકતા, સ્પર્ધાઓ અને કલાપ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર કરવાનો સક્ષમ મંચ સાબિત થયો. આ પ્રસંગોથી વિદ્યાર્થીઓના આગળના જીવન માટે પ્રેરણા મળશે. ગૂજરાત વિદ્યાપીઠના મૂલ્યો સાથે જોડાઈને તેઓ સર્વાંગી વિકાસ તરફ આગળ વધશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)