કોલકાતામાં વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિપૂજન

કોલકાતા: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કોલકાતાના ન્યૂ ટાઉન કન્વેન્શન સેન્ટર ખાતે ‘અમૂલ બેંગાલ ડેરી પ્રોજેક્ટ’ (Amul Bengal Dairy Project) અંતર્ગત વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી સહિત સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

₹૭૦૦ કરોડનું રોકાણ અને ૧.૨૦ લાખ પશુપાલકોને સીધો લાભ

હાવડા ફૂડ પાર્ક ખાતે આશરે ₹૭૦૦ કરોડના ખર્ચે સ્થાપવામાં આવી રહેલો આ પ્લાન્ટ પ્રતિદિન ૧૦ લાખ કિલોગ્રામ (૧,૦૦૦ મેટ્રિક ટન) દહીં ઉત્પાદનની ક્ષમતા ધરાવશે. પ્રથમ તબક્કામાં દરરોજ ૧૦ લાખ લીટર દૂધ પ્રોસેસ થશે, જેનો સીધો ફાયદો રાજ્યના ૧.૨૦ લાખથી વધુ નાના પશુપાલકોને મળશે. આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થતાં દૈનિક ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસિંગની સાથે પેકેજ્ડ દૂધ, UHT દૂધ, આઈસ્ક્રીમ, પનીર, ઘી, બંગાળી મીઠાઈઓ અને ફ્લેવર્ડ મિલ્કનું ઉત્પાદન પણ કરશે.

બંગાળ સરકાર દ્વારા ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવાઈ

અમિત શાહે જણાવ્યું હતું કે, અગાઉની સરકારે રાજકીય કારણોસર આ પ્રોજેક્ટ માટે જમીન આપવાનો અસ્વીકાર કર્યો હતો. પરંતુ વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યના ગરીબ પશુપાલકોના હિતમાં અમૂલ ફેડરેશનને ૩૦ એકર જમીન એક પણ રૂપિયો લીધા વિના મફત પૂરી પાડી છે. આ નિર્ણયથી બંગાળના આશરે ૨.૫ લાખ પશુપાલકોને તેમના દૂધના શ્રેષ્ઠ ભાવો મળશે. તેમણે ઉમેર્યું હતું કે, “અમૂલના ગ્રાહકો જ્યારે ₹૧૦૦ ખર્ચે છે, ત્યારે તેમાંથી ₹૮૭ સીધા પશુપાલકોના બેંક ખાતામાં જમા થાય છે, જે સહકારની સાચી શક્તિ દર્શાવે છે.”

‘સોનાર બાંગ્લા’ અને પશુપાલકો માટે કલ્યાણકારી યોજનાઓ

કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ અને આચાર્ય જગદીશચંદ્ર બોઝ જેવી બંગાળની મહાન વિભૂતિઓને યાદ કરીને બંગાળના ગૌરવશાળી વારસાને બિરદાવ્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર બંગાળમાં પશુઓની નસ્લ સુધારવા માટે ‘Sex-Sorted Semen’ ટેકનોલોજી ફેસિલીટી લાવશે. સાથે જ સહકાર મંત્રાલયની ૭૦થી વધુ કલ્યાણકારી યોજનાઓ આગામી ૬ મહિનામાં બંગાળના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે.