સાહિત્યકાર ડૉ. દિનકર જોષીના માનમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની જાહેરાત

મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) દ્વારા ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને સુવિખ્યાત સાહિત્યકાર ડૉ. દિનકર જોષીના બહુમૂલ્ય પ્રદાનને બિરદાવવા માટે એક અનોખી અને ગૌરવપ્રદ જાહેરાત કરવામાં આવી છે. KES સ્થાપિત અને સંચાલિત ગુજરાતી ભાષા ભવન હવેથી “દિનકર જોષી ગુજરાતી ભાષા ભવન” તરીકે ઓળખાશે. શનિવાર, ૧૮ જુલાઈના રોજ આયોજિત વરસાદી ગીતોના ખાસ કાર્યક્રમ દરમિયાન KESના પ્રેસિડન્ટ મહેશ શાહે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

મહેશ શાહે જણાવ્યું હતું કે, “૧૬૦થી વધુ પુસ્તકોના લેખક દિનકરભાઈએ માત્ર પોતે જ સાહિત્ય સર્જન નથી કર્યું, પરંતુ ગુજરાતી સાહિત્ય અન્ય ભાષાઓમાં અનૂદિત થઈને બહોળા વર્ગ સુધી પહોંચે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. તેમણે ગુજરાતીઓમાં સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જગાડ્યો છે. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને નવી તથા આવનારી યુવા પેઢી સુધી પહોંચાડવાના આશય સાથે ભાષા ભવનને આ નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાહિત્યકાર ડૉ. દિનકર જોષી ભાવુક બન્યા હતા અને આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મેં કંઈ લખ્યું નથી, જે લખાયું છે તે પરમાત્માએ લખાવ્યું છે. માણસ માટે અમુક ઉંમર વટાવ્યા બાદ જીવવાનું અઘરું બનતું હોય છે, પરંતુ આવી પળ જીવવાનું બળ આપે છે.”

વરસાદી ગીતોની સાંજે શ્રોતાઓને ભીંજવ્યા

ટી.પી. ભાટિયા સાયન્સ કોલેજના પંચોલિયા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા ગાયકો નિશા કાપડિયા, શ્રદ્ધા શ્રીધરાણી અને રાઘવ દવેએ પોતાના મધુર કંઠે વરસાદી ગીતો, મલ્હાર રાગ અને ગરબા રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંચાલક નંદિની ત્રિવેદીના રસપ્રદ સંચાલન સાથે નરસિંહ મહેતા, કાગબાપુ, વિનોદ જોશી, હરિન્દ્ર દવે અને દિલીપ રાવલની લોકપ્રિય રચનાઓ રજૂ થઈ હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ અને KESના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શ્રોતાઓ સ્ટેજ પાસે આવી ગરબે ઘૂમ્યા હતા. ભાષા ભવન કમિટી દ્વારા આગામી ૨૨ ઓગસ્ટે આવા જ એક નોખા કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.