વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઇન્દ્રોડા ઉદ્યાનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર: વિશ્વભરમાં દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાનો છે.

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત “Feel the Roar, Heal the Fear – Info Talk on Lion and Nature Trail” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ-ગાંધીનગર સાથે જોડાયેલા પરિવારના બાળકો સહિત ૪૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ બાળકોને સિંહના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને તેના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેનાર ૫,૦૦૦થી વધુ મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડિયો દિવસ દરમિયાન બતાવવામાં આવ્યા હતા. તદુપરાંત ફૂલછોડ વિતરણનો પણ કાર્યક્રમ ઉદ્યાન ખાતે યોજવામાં આવ્યો હતો અને 200 જેટલાં ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.