અમદાવાદ: વિશ્વવિખ્યાત મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરના સ્મરણ સ્વરૂપે દર વર્ષે 23મી એપ્રિલના દિવસને “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવાનું યુનેસ્કો દ્વારા જાહેર કર્યું છે. ગણપત યુનિવર્સિટીના આંગણે પણ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે એક શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં કેટલાક ઉત્કૃષ્ટ પુસ્તકોનો પરિચય વિદ્યાર્થીઓને તેમજ પ્રાધ્યાપકોને કરાવવામાં આવ્યો.ગણપત યુનિવર્સિટીની ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીની લાઈબ્રેરી દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલા આ ‘બુક રિવ્યૂ’ પ્રોગ્રામનું ઉદ્ઘાટન ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન પ્રો. ડો. પ્રફુલ ભારડિયા, પ્રિન્સિપાલ પ્રો. ડો. સંજીવ આચાર્ય અને ડીન પ્રો.ડો. પીયુ પટેલે કર્યું હતું. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં વાંચનની રુચિ વધે અને એક રોજીંદી આદત બને અને જ્ઞાન સમૃદ્ધિનું સતત સંવર્ધન થતું રહે એવા ઉદાત હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 87 જેટલાં વિદ્યાર્થીઓએ અને અનેક પ્રાધ્યાપકોએ લાભ લીધો હતો.