અમદાવાદ: શહેરના મંદિરોના પ્રાંગણમાં આવેલા વૃક્ષ નીચે આજે પરંપરાગત વસ્ત્રોથી સજ્જ તમામ વયની સ્ત્રીઓ પૂજા કરતી જોવા મળી. શાત્રોક્ત રીતે ચાલતા મંત્રોચ્ચાર વચ્ચે વૃક્ષને ફરતે દોરાની આંટીઓ મારી પોતાની શ્રધ્ધા વ્યક્ત કરી. આ વ્રત છે વટ સાવિત્રીનું.. જેમાં પરિણીત ભારતીય મહિલાઓ પોતાની ધાર્મિક ભાવના વ્યક્ત કરે છે. પતિના લાંબા આયુષ્ય, પરિવારમાં સુખ અને શાંતિ તેમજ બાળકોના જન્મની કામના માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે સાવિત્રીએ પોતાના દૃઢ નિશ્ચય અને તપસ્યા દ્વારા પોતાના મૃત પતિ સત્યવાનને યમરાજ પાસેથી પાછા લાવ્યા હતા. ત્યારથી, સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય અને વૈવાહિક સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે.હિન્દુ કેલેન્ડર મુજબ, આ વ્રત પ્રાંત પરંપરા અને તીથીઓ પ્રમાણે ઉજવવામાં આવે છે. એક કેલેન્ડર મુજબ વટ સાવિત્રીના વ્રતની શરૂઆત જેઠ સુદ બારસના દિવસે થઇ. જ્યારે મંગળવાર જેઠ સુદ ચૌદસના રોજ આ વ્રત સમાપ્ત થયું.
વડ વૃક્ષ (વૃક્ષ) નીચે જઇ, જમીનને શુદ્ધ કરી , દીવો, ધૂપ, ફળો, ફૂલો, સિંદૂર, સુતરાઉ દોરા સાથેનો પૂજાપો લઈ મહિલાઓએ પૂજા કરી હતી.વટ સાવિત્રી વ્રત ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
