નિશિકાંત દુબેના નિવેદન પર પગલાં લેશે સુપ્રીમ કોર્ટ?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નિવેદન પછી વિપક્ષના નેતાઓએ નિશિકાંત દુબેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. એ સાથે તેમની વિરુદ્ધ અવમાનના કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અનસ તનવીરે ટોચની કોર્ટની વિરુદ્ધ ટિપ્પણી કરવા માટે નિશિકાંત દુબેની વિરુદ્ધ અવમાનના કાર્યવાહી શરૂ કરવાની એટર્ની જનરલ આર. વેન્કટરમણથી સહમતી માગી છે.

હવે નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દુબે સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની અરજી દાખલ કરવા મંજૂરી આપવામાં આવી છે. આજે  કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની માગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન વકીલે કહ્યું હતું કે આ કોર્ટ વિશે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપવામાં આવ્યાં છે. નિશિકાંત દુબેએ આપેલાં નિવેદનો જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

અરજદારની અરજી સાંભળીને જસ્ટિસ બીઆર ગવઈએ પૂછ્યું કે તમને શું જોઈએ છે? આના પર વકીલે કહ્યું, હું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ દાખલ કરવા માગું છું. જસ્ટિસ ગવઈએ સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું, તો પછી તમે કેસ દાખલ કરોને, તમારે અમારી પરવાનગીની જરૂર નથી. તમારે એટર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.

દુબેનું વિવાદાસ્પદ નિવેદન

વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકતાં નિશિકાંત દુબે નારાજ થયા હતા. તેમણે શનિવારે સુપ્રીમ કોર્ટ અંગે ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે કાયદો બનાવવો હોય તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. તેમણે ભારતના મુખ્ય ન્યાયધીશ સંજીવ ખન્નાને દેશમાં ગૃહયુદ્ધો માટે જવાબદાર ગણાવ્યા હતા. તેમના નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો.