ફ્લોરિડાઃ યુક્રેન શાંતિ કરારને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે ફ્લોરિડામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ બંને રાષ્ટ્રપતિઓએ ચર્ચાને સકારાત્મક ગણાવી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે અમેરિકા તરફથી રજૂ કરાયેલા 20 મુદ્દાના પ્લાન પર લગભગ 90 ટકા સહમતી બની ગઈ છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુક્રેનને આપવામાં આવનારી સુરક્ષા ગેરંટી અંગે પણ લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ અમેરિકા અને યુક્રેનની ટીમો આગામી અઠવાડિયે ફરી એક વાર મુલાકાત કરશે. તેમણે કહ્યું હતું કે તમામ મુદ્દાઓ પર ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ છે અને છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં રશિયા–યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના અંત માટે અમેરિકા સાથે આર્થિક પાસાઓ પર પણ ચર્ચા થઈ છે. જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે હજી પણ કેટલાક મુદ્દાઓ એવા છે, જેમાં સહમતી બની નથી. તેમાં સૌથી મોટો મુદ્દો જમીનનો છે.
હકીકતમાં, રશિયાએ હાલ યુક્રેનના બે મુખ્ય વિસ્તારો પર કબજો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સ્વીકાર્યું કે આ મુદ્દે હજી સંપૂર્ણ સહમતી નથી બની. તેમણે કહ્યું હતું કે કેટલાક વિસ્તારો પર રશિયાનો નિયંત્રણ પહેલેથી જ છે. હાલમાં મોસ્કો પાસે ડોનબાસ વિસ્તારનો લગભગ 75 ટકા ભાગ છે, જ્યારે લુહાન્સ્ક વિસ્તારના લગભગ 99 ટકા ભાગ પર રશિયાની પકડ છે.
રશિયા ઇચ્છે છે કે યુક્રેન કોઈ પણ હાલતમાં ડોનબાસ વિસ્તાર છોડે, જ્યારે યુક્રેનનું કહેવું છે કે આ વિસ્તારમાં એક ફ્રી ઇકોનોમિક ઝોન બનાવી શકાય, જ્યાં યુક્રેનિયન પોલીસની દેખરેખ રહેશે. આ મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અભિગમ સમયાંતરે બદલાતો રહ્યો છે. સપ્ટેમ્બરમાં તેમણે સંકેત આપ્યો હતો કે યુક્રેન પોતાની જમીન પાછી મેળવી શકે છે, પરંતુ બાદમાં તેમણે કહ્યું હતું કે એવું કરવું અત્યંત મુશ્કેલ રહેશે.



