શું જનસુરાજથી ચૂંટણી લડશે પવન સિંહની પત્ની?

પટનાઃ ભોજપુરી એક્ટર અને ગાયક પવન સિંહની પત્ની જ્યોતિ સિંહ આજે જનસુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરને મળવા પહોંચી હતી. અહીં પટનાના શેખપુરા હાઉસમાં જ્યોતિ સિંહે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. રાજકીય રીતે આ મુલાકાતના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ મુલાકાત બાદ બંનેએ ચૂંટણી કે ટિકિટને લગતી કોઈ પણ ચર્ચા થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.

પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે જણાવ્યું હતું કે તેમણે માત્ર ન્યાય માટે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે. તેણે કહ્યું હતું કે તે એવી મહિલાઓ માટે ન્યાય માગે છે, જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.જનસુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બાદ જ્યોતિ સિંહે જણાવ્યું હતું કે હું અહીં ચૂંટણી લડવા કે ટિકિટ માગવા આવી નથી. હું અહીં એ ખાતરી કરવા આવી છું કે કોઈ અન્ય મહિલાને મારી જેમ અન્યાય ન સહન કરવો પડે. હું એવી તમામ મહિલાઓની અવાજ બનવા માગું છું, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેથી જ હું પ્રશાંત ભૈયાને મળવા આવી હતી.

જ્યારે તેને પાસે પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી લડવા કે ટિકિટ અંગે કોઈ ચર્ચા થઈ હતી? ત્યારે જ્યોતિ સિંહે કહ્યું હતું કે ચૂંટણી કે ટિકિટ અંગે કોઈ ચર્ચા થઈ નથી. હું અહીં ફક્ત એવી તમામ મહિલાઓ માટે આવી છું, જેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. હું મહિલાઓ માટે ન્યાય માગવા આવી છું.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે જ્યોતિ સિંહ અહીં બિહારની એક મહિલા તરીકે આવી છે. તેમની વાતો અમે સાંભળી છે. સૌપ્રથમ તો તેણે ચૂંટણી લડવાની કોઈ વાત કરી નથી. તેણે ફક્ત એટલું કહ્યું છે કે તેમની સાથે મોટો અન્યાય થયો છે અને તે ઈચ્છે છે કે બિહારની બીજી કોઈ મહિલાની સાથે આવું ન થાય. તે ઈચ્છે છે કે તેને જનસુરાજ તરફથી મદદ મળે.