નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની બેઠકમાં ભારતીય ખેલપ્રેમીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં IOAએ 2030માં થનારી રાષ્ટ્રમંડળ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારી રજૂ કરવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણય બુધવારે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની વિશેષ સામાન્ય બેઠક (SGM)માં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદને યજમાન શહેર બનાવવા માટેના પ્રસ્તાવને પણ ટેકો મળ્યો છે.
અમદાવાદ હશે યજમાન શહેર
ભારત પહેલેથી જ અમદાવાદને યજમાન શહેર તરીકે રાખીને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ સબમિટ કરી ચૂક્યું છે. હવે દેશને 31 ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં પોતાનો અંતિમ પ્રસ્તાવ (ફાઈનલ બિડ) રજૂ કરવો પડશે.
કેનેડાના બહાર થવાથી ભારતની શક્યતાઓ વધી
કેનેડા આ દોડમાંથી બહાર થતાં ભારત માટે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. આ ભારત માટે એક મોટી તક છે, ખાસ કરીને ત્યારે જ્યારે છેલ્લાં થોડાં વર્ષોમાં દેશે અનેક આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.
હાલમાં જ કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ઓફ ગેમ્સ ડેરન હોલના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ અમદાવાદની મુલાકાત લઈ ચૂકી છે. આ દરમિયાન તેમણે સંભવિત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે આ મહિનાના અંતે એક વધુ મોટું પ્રતિનિધિમંડળ અમદાવાદ આવશે.
કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી 2030ના મહેમાન દેશનો અંતિમ પસંદગી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કરશે. જો ભારતને યજમાનપદું મળે છે તો આ દેશના ખેલ ઇતિહાસમાં એક વધુ ગૌરવપૂર્ણ ક્ષણ બનશે.




