વન્યજીવ વેપારઃ 2.85 અબજ પ્રાણીઓની આયાત કરી ચૂક્યું છે અમેરિકા

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ વન્યજીવ દિન પ્રતિ વર્ષ ત્રીજી માર્ચે જંગલી પ્રાણીઓ અને વનસ્પતિના સન્માનમાં ઊજવવામા આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ- વન્યજીવ સંરક્ષણ નાણાં, લોકો અને ગ્રહમાં મૂડીરોકાણ છે.વિશ્વ વન્યજીવ દિનની સ્થાપના 2013માં કરવામાં આવી હતી અને એ 2014થી ઊજવવામાં આવે છે.

માત્ર જંગલોમાં – 60,000 વૃક્ષોની પ્રજાતિઓ, 80 ટકા ઉભયચર પ્રજાતિઓ અને 75 ટકા પક્ષી પ્રજાતિઓ મળી આવે છે, જ્યારે 10 લાખથી વધુ પ્રજાતિઓ વિલુપ્ત થવાનું જોખમ છે. આવામાં વન્યજીવ સંરક્ષણ માટે મૂડીરોકાણની જરૂર પહેલાંથી ઘણી વધુ છે.

વિશ્વભરમાં 50,0000 જંગલી પ્રજાતિઓ અબજો લોકોની જરૂર પૂરી કરે છે. વિશ્વની અડધાથી વધુ GDP પ્રકૃતિ પર નિર્ભર છે, જેમાં જૈવ વિવિધતાનું નુકસાન નાણાકીય સ્થિરતા માટે એક મોટું જોખમ છે. વન્યજીવ વેપારમાં જોઈએ તો 22 વર્ષોમાં 2.85 અબજ પ્રાણીઓની આયાત અમેરિકા કરી ચૂક્યું છે. કેટલાય દેશોમાં મત્સ્યપાલન GDPમાં 10 ટકાથી વધુ યોગદાન આપે છે.

દેશમાં વિશ્વના 75 ટકા વાઘ

દેશમાં હવે વિશ્વના 75 ટકા વાઘ છે અને છેલ્લા એક દાયકામાં વાઘોની સંખ્યા બે ગણી થઈ છે, એમ એક અભ્યાસ કહે છે.

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિંહ દર્શન કર્યું. સિંહ દર્શન બાદ PM મોદી ફરી સાસણ ગીરના સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. વિશ્વ વન્યજીવ દિવસના અવસરે PM મોદી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક બંધબારણે યોજાશે, જેમાં વન્યજીવ સંરક્ષણ અને સંભાળ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.