જય શાહ બાદ BCCIના સેક્રેટરી બનવાની રેસમાં કોણ છે આગળ?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના ચેરમેન તરીકે બિનહરિફ ચૂંટાયા છે. 35 વર્ષના જય શાહ ICCના સૌથી યુવા વયના ચેરમેન બન્યા છે. વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલીનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જે પછી 1 ડિસેમ્બરથી નવા ચેરમેન તેમની જવાબદારી સંભાળી લેશે. જય શાહ એ એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર બાદ ICCના ચેરમેન બનનારા ત્રીજા ભારતીય છે. ICCના ચેરમેન બનવા માટે તેમનેBCCIના સેક્રેટરી તરીકેનું પદ છોડવું પડશે. BCCIના નવા સેક્રેટરી બનવાની રેસમાં અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી સૌથી આગળ હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. જો કે BCCIના સચિવની રેસમાં ઘણા નામો સામે આવ્યા છે. રોહન જેટલી – DDCAના પ્રમુખ રોહન જેટલી અથવા બંગાળ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અવિશેક દાલમિયાનું નામ પણ BCCI સચિવ પદના દાવેદારની લિસ્ટમાં ચર્ચામાં છે. રોહન જેટલી પૂર્વ ભાજપા નેતા અરૂણ જેટલીના પુત્ર છે. આથી આ રેસમાં રોહનનું નામ સૌથી આગળ હોવાની ચર્ચા ચાલી રહી છે.રાજીવ શુક્લા – BCCI સચિવ પદના દાવેદારની રેસમાં રાજીવ શુક્લાનું નામ પણ છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે BCCIના પદોના ફેરબદલ કરીને વર્તમાન ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાને સચિવ પદ આપવામાં આવી શકે છે.અરુણ ધૂમલ – ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ અરુણ ધૂમલને બોર્ડ ચલાવવાનો સારો અનુભવ છે. તેઓ બોર્ડના ખજાનચી પણ રહી ચૂક્યા છે.

આશિષ શેલાર – મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા આશિષ શેલાર, જેઓ BCCIના ખજાનચી અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વહીવટમાં મોટું નામ છે. શેલાર પણ સચિવ પદની રેસમાં સામેલ થઈ શકે છે.દેવજીત સૈકિયા – BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા ખાસ લોકપ્રિય નથી. જો કે, તે વર્તમાન BCCI વહીવટનો મહત્ત્વનો ભાગ છે. જેમને સચિવ પદ પર પ્રમોશન મળી શકે છે.