અમેરિકા: વ્હાઇટ હાઉસે મિડીયા પોલિસી બદલી નાખી છે. નવી નીતિ હેઠળ રોઇટર્સ, બ્લૂમબર્ગ અને એસોસિએટેડ પ્રેસ જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી બાકાત રાખવામાં આવી છે. આ સમાચાર એજન્સીઓને હવે પ્રેસ પૂલમાં કાયમી સ્થાન નહીં મળે. વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલ લગભગ 10 મિડીયા સંગઠનોનું જૂથ છે. તેમાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થાય છે. આ લોકો અમેરિકન પ્રમુખની દરેક નાની-મોટી પ્રવૃત્તિને કવર કરે છે. અન્ય મિડીયા સંસ્થાઓ પ્રમુખ સંબંધિત કવરેજ માટે પ્રેસ પૂલમાં સમાવિષ્ટ મિડીયા સંસ્થાઓ પર આધાર રાખે છે.
જોકે હવે નીતિમાં ફેરફાર પછી આંતરરાષ્ટ્રીય મિડીયા સંગઠનો માટે અમેરિકન પ્રમુખ સુધી પહોંચવું મુશ્કેલ બનશે. વ્હાઇટ હાઉસના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, આંતરરાષ્ટ્રીય મિડીયા સંગઠનોએ તેને પ્રેસ કવરેજને નિયંત્રિત કરવાનો પ્રયાસ ગણાવ્યો, જે સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર કરી શકે છે. નવી નીતિ હેઠળ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હવે નક્કી કરશે કે કયો પત્રકાર અથવા મિડિયા સંગઠન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ, પ્રેસ બ્રીફિંગ રૂમ અને રાષ્ટ્રપતિના ખાસ વિમાન ‘એરફોર્સ વન’માં પણ લાગુ પડશે.
