નવી દિલ્હી: વોટ્સએપની મૂળ કંપની મેટાએ ફક્ત એક જ મહિનામાં મોટી કાર્યવાહી કરી છે. દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મેટાએ આશરે 84 લાખ એકાઉન્ટ બેન કરી દીધા છે. કંપનીનું કહેવું છે કે, તેમના આ પ્લેટફોર્મનો ઉપયોગ મોટા પાયે સ્કેમ માટે કરવામાં આવી રહ્યો હતો. જેથી કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ બેન કરી દીધાં છે. વોટ્સએપને ઘણાં યુઝર્સે આ પ્રકારના સ્કેમની જાણકારી આપી હતી અને પ્લેટફોર્મ પર મોટા પાયે ફરિયાદો મળી રહી હતી.મેટા કંપની તરફથી રજૂ કરવામાં આવેલા ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, યુઝરની સુરક્ષા માટે મેટાએ આશરે 84,58,000 વોટ્સએપ એકાઉન્ટ બેન કરી દીધા છે. આ કાર્યવાહી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 4(1)(d) અને 3A(7) નું પાલન કરવા માટે કરવામાં આવી છે. સતત મળી રહેલી ફરિયાદો બાદ વોટ્સએપે દેખરેખ વધારી દીધી હતી અને જે ખાતા શંકાસ્પદ જણાયા, તેને કંપનીએ બેન કરી દીધાં છે.
આ કારણોથી બેન થાય છે એકાઉન્ટ
- જો કોઈ યુઝર બલ્ક મેસેજ વધારે મોકલે છે અથવા સ્પામ અથવા છેતરપિંડી અથવા ખોટી સૂચના શેર કરવા અથવા અફવા ફેલાવવામાં તેનો ઉપયોગ કરે છે તો તેનું એકાઉન્ટ બેન કરી દેવામાં આવે છે.
- જો કોઈ યુઝર ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરે અથવા તો વોટ્સએપનો ઉપયોગ શંકાસ્પદ કાર્યોમાં કરે છે તો તેનું એકાઉન્ટ બેન થઈ જાય છે.
- યુઝર સામે જો કોઈ વ્યક્તિએ વોટ્સએપ પર ફરિયાદ કરી અથવા તેનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે તો તપાસ બાદ આવા યુઝરનું એકાઉન્ટ બેન થઈ શકે છે.