અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. પરિણામે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે.
24મી જુલાઈના રોજ અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 25મી જુલાઇનાં રોજ ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
26મી જુલાઈનાં રોજ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ વિશે કોઈ આગાહી કરવામાં આવી નથી.