છાંગુર બાબાને એવી સજા આપીશું કે લોકો યાદ રાખશેઃ યોગી

લખનૌઃ રાજ્યના CM યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આરોપી જમાલુદ્દીનની પ્રવૃત્તિઓ માત્ર સમાજવિરોધી જ નહીં, પણ રાષ્ટ્રવિરોધી પણ છે. આરોપી અને તેની ટોળકી સાથે જોડાયેલા તમામ ગુનેગારોની મિલકતો જપ્ત કરવામાં આવશે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમને કાયદા મુજબ એવી સજા અપાશે કે જે સમાજ યાદ રાખશે.

ધર્માંતરણને મામલે CM યોગીએ કડ વલણ બતાવવાતાં X પર લખ્યું હતું કે અમારી સરકાર બહેન-બેટીઓની સન્માન અને સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જમાલુદ્દીનની પ્રવૃત્તિઓ માત્ર સમાજવિરોધી જ નહીં, પણ રાષ્ટ્રવિરોધી પણ છે.

સરકાર કાયદા વ્યવસ્થાને લઈ કોઈ પણ પ્રકારની ઢીલાશ નહીં કરે. આરોપી અને તેની ગેંગ સાથે જોડાયેલા તમામ ગુનેગારોની મિલકતો જપ્ત કરાશે. તેમ પર કડક કાયદાકીય પગલાં લેવાશે. રાજ્યમાં શાંતિ, સમરસતા અને મહિલાઓની સુરક્ષા માટે જોખમ બનેલાં તત્ત્વોને ક્યારેય છોડવામાં નહીં આવે. તેમને એવી સજા અપાશે કે જે સમાજ માટે ઉદાહરણરૂપ બનશે.

આઝમગઢ પહોંચેલા CM યોગીએ જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા વિશે જણાવ્યું હતું કે હાલ તમે જોયું હશે કે કેવી રીતે બલરામપુરમાં સમાજવિરોધી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી. તમે જોયું હશે કે કેવી રીતે એક જલ્લાદને પકડી પાડવામાં આવ્યો, જે હિંદુ બહેન-બેટીઓની ઈજ્જત સાથે રમતો હતો, તેમનો સોદો કરતો હતો.

UPમાં ધર્માંતરણના માસ્ટરમાઈન્ડ જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા પર મંગળવારે મોટી કાર્યવાહી થઈ. બલરામપુરમાં આવેલી તેની 40 રૂમવાળી ભવ્ય કોઠી પર નવ બુલડોઝર ચલાવાયા.

ATSનો દાવો છે કે છાંગુર બાબા એ જ કોઠીમાંથી ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હતો. જોકે આ કોઠી તેની મહિલા મિત્ર નીતુ ઉર્ફે નસરીનને નામે છે. બાબાએ નીતુનું ધર્માંતરણ કરીને તેનું નામ નસરીન રાખ્યું હતું. શનિવારે ATS એ 50,000ના ઇનામી છાંગુર બાબાને નીતુ ઉર્ફે નસરીન સાથે લખનૌથી ધરપકડ કરી હતી. બંને સામે નવેમ્બર 2024માં લખનૌમાં કેસ નોંધાયો હતો.