મતદાતા યાદીની સમીક્ષા એ લોકતાંત્રિક પ્રક્રિયા માટે મોટો ખતરોઃ ખેડા

નવી દિલ્હીઃ બિહારની મતદાર યાદીનું તીવ્ર પુનઃનિરીક્ષણ અંગે ચૂંટણી પંચ અને ભાજપ પર કોંગ્રેસના AICC મિડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ પત્રકાર પરિષદમાં કડક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દરેક નાગરિક પાસે મત આપવાનો મહત્વપૂર્ણ અધિકાર છે, જેના પર ષડયંત્રપૂર્વક હુમલો કરવામાં આવી રહ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ ભાજપનું એવું મોહરું બની ગયું છે જે આ પગલાં લઈ રહ્યું છે. અમે વારંવાર આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા છે, પરંતુ આશ્ચર્ય છે કે જયારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અથવા રાજ્યસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મતદાર યાદી અથવા મતદાનના દિવસની ફુટેજ માગે છે, ત્યારે મહિનાઓ સુધી ચૂંટણી પંચ પ્રતિસાદ આપતું નથી. પણ અહીં, માત્ર એક મહિનામાં આખા બિહારની નવી મતદાર યાદી તૈયાર થઈ જશે.”

તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમારા સત્તાવાર પ્રતિનિધિ ચૂંટણી પંચને પત્ર લખે છે અને મુલાકાત લેવા જાય છે, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ધમકી આપતાં કહે છે કે – “આ નવું ચૂંટણી પંચ છે, નવું નોર્મલ છે” – હવે ચૂંટણી કમિશન નક્કી કરશે કે કોંગ્રેસના કયા નેતા સાથે મુલાકાત કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકારોને મેસેજ કરીને ખોટી અને ગોઠવેલી ખબર છપાવવાનું નવું ચલણ શરૂ કર્યું છે. તમે વિચારો છો કે વાત ગુપ્ત રહેશે, પણ એવું હવે શક્ય નથી. આજે દરેક વાત સામે આવી શકે છે. અમે સ્ક્રીનશોટ સુધી પહોંચ્યા છીએ.

તેમણે ચેતવણી આપી હતી કે આ ખતરો માત્ર વિપક્ષ માટે નથી, દરેક મતદાર માટે છે. બિહારના 20 ટકા મતદારોના અધિકાર છીનવાઈ રહ્યા છે એમ બિહારના કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચર્ચા દરમિયાન ચૂંટણી પંચના આક્રમક વલણથી લાગ્યું કે જાણે તેમણે નક્કી કરી લીધું છે કે બિહારના 20 ટકા મતદારોનો અધિકાર છીનવી લેવા છે.