ડાકોર મંદિરમાં VIP દર્શનનો મહત્વપૂર્ણ નિર્ણય પરત લેવામાં આવ્યો

યાત્રાધામ ડાકોરનાં મંદિરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિર કમિટી દ્વારા શુક્રવારના રોજ સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે મંદિર ખાતે એક મહિના પહેલાં શરૂ કરવામાં આવેલી VIP દર્શનની સેવાને બંધ કરવામાં આવી છે. આ VIP દર્શનની સેવા માટે ભક્તો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા. જેને પગલે ખૂબ જ વાદ વિવાદો થયાં હતાં. જેમાં VIP દર્શનની સેવા બંધ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી પણ હિન્દુ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જેથી આ વિવાદ ઉગ્ર બનતા VIP દર્શનનાં નિર્ણયને મંદિર કમિટી દ્વારા પરત લેવામાં આવ્યો છે. અગાઉ અનેક મોટા મંદિરોમાં પણ VIP દર્શનની સુવિધા બંધ કરવામાં આવી છે. ડાકોર મંદિરની કમિટી દ્વારા અગાઉ મંદિરમાં VIP દર્શનની સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભક્તોએ રણછોડ રાયના દર્શન કરવા માટે 500 રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ મહિલાની લાઇનમાં જઈને પુરુષને દર્શન કરવા માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેથી હિન્દુ સંગઠનો દ્વારા આ નિર્ણયનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. ડાકોરનાં ઠાકોરએ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલું છે અને આવા ધાર્મિકસ્થાન પર પણ ધંધો કરવાનું તત્વ ઉમેરાઈ તો એ યોગ્ય નથી.

શા માટે વિવાદિત નિર્ણયને પરત ખેંચવામાં આવ્યો ?

VIP દર્શન આપવાની સેવાનાં નિર્ણયમાં મંદિર દ્વારા ભક્તો પાસેથી 500 રૂપિયા લઈને ભગવાનની સન્મુખ જઈ દર્શન કરાવવામાં આવતા હતા. જેથી બીજા ભક્તો માટે પક્ષપાત જેવો માહોલ સર્જાયો હતો. જેને લઈને ઠાસરા તાલુકાનાં સરપંચ અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયામાં પણ નિર્ણયને લઈને ખૂબ વાદ-વિવાદો સર્જાયા હતા. જેને પગલે નિર્ણયને લઈને વિવાદ વધુ વકરે તે પહેલા જ મંદિર કમિટી દ્વારા VIP દર્શન આપવાની સેવા બંધ કરી દેવામાં આવી છે.