બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા ફાટી નીકળી

ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ થયેલા આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થયું છે. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. તેઓ કટ્ટરપંથી જૂથ ઇન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ હતા. હિંસા દરમિયાન અનેક મીડિયા આઉટલેટ્સને આગ લગાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

છ દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાદીનું મોત નીપજ્યું. ગુરુવારે રાત્રે રાષ્ટ્રને સંબોધતા, વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે હાદીના મૃત્યુની પુષ્ટિ કરી, બાંગ્લાદેશી મીડિયા આઉટલેટ BSSએ આ વિશે અહેવાલ આપ્યો. દરમિયાન, ઇન્કિલાબ મંચના સત્તાવાર ફેસબુક પેજ ઉપર પણ ગુરુવારે રાત્રે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા.

12 ડિસેમ્બરના રોજ ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ઢાકાની એવરકેર હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં હાદીને સોમવારે અદ્યતન તબીબી સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા.

હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને ‘જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ’ ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. યુનુસે હાદીના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેવું વચન આપ્યું અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવી પણ જાહેરાત કરી.