ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન

ગુજરાતી રંગમંચના જાણીતા નિર્માતા અને કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન થયું છે. રંગભૂમિના દિગ્ગજ અને અનુભવી કલાકારના નિધનથી નાટક ક્ષેત્રે મોટી ખોટ પડી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને નાટક જગતના કલાકારો કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યાં છે.

જે લોકો નાટક ક્ષેત્રે સક્રિય છે તેઓ કૌસ્તુભ ત્રિવેદીથી પરિચિત જ હશે. એક અભિનેતા તરીકે શરૂ કરેલી કારકિર્દી બાદ તેમણે નાટક ક્ષેત્રે લાંબી મજાલ કાપી. તેમણે અનેક ફેમસ નાટકોમાં કામ કર્યુ હતું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં કેવટની ભૂમિકા પણ ભજવી હતી. કૌસ્તુભ ત્રિવેદીના નિધનના સમાચાર સાંભળી અભિનય જગતના કલાકારો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

કૌસ્તુભ ત્રિવેદીએ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે નાટકના નિર્માણ તરફ વળ્યા હતાં. કૌસ્તુભ ત્રિવેદીએ પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર, પપ્પા મારા પ્રેમ ચોપરા જેવા નાટકો આપ્યા છે. આ સિવાય તો તાજેતરના નાટકોની વાત કરીએ તો તેમાં ડિયર ફાધર, ગર્વથી કહો અમે ગુજરાતી છીએ અને આર યા પાર જેવા નાટકો સામેલ છે. ગુજરાતી નાટક ક્ષેત્રે તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.