વિપક્ષના વિરોધ વચ્ચે વીબી-જી રામ જી’ બિલ લોકસભામાં પાસ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના અંતિમ અઠવાડિયાનો આજે બીજો દિવસ છે. દિવસની શરૂઆત પ્રશ્નકાળથી થઈ હતી. સરકાર ઈચ્છે છે કે સત્રના છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મહત્વના બિલો પાસ કરાવી લેવામાં આવે. બીજી તરફ આજે લોકસભામાં કેન્દ્રની મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS)ને બદલીને નવી રોજગાર ગેરંટી યોજના લાવવા માટે એક વિધેયક રજૂ કર્યું છે, જે વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે લોકસભામાં પાસ થું હતું. જોકે વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.  સરકારે આ યોજનાનું નામ વિકસિત ભારત– રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી: વીબી-જી આરએએમજી વિધેયક, 2025 રાખ્યું છે.

આ મુદ્દે વિરોધ પક્ષોએ BJP અને RSS પર તીવ્ર હુમલો કર્યો છે અને તેને મનરેગા ખતમ કરવાનું કાવતરું ગણાવ્યું છે. વિરોધ પક્ષોએ કહ્યું હતું કે મજૂરીના દિવસો વધારવામાં આવી રહ્યા છે, પરંતુ મજૂરીનું વેતન વધારવામાં આવ્યું નથી.

 કૃષિ મંત્રીએ સંસદમાં વીબી-જી રામજી બિલ રજૂ કર્યું

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે લોકસભામાં ગ્રામીણ રોજગાર સંબંધિત પ્રસ્તાવિત કાયદા, વીબી-જી રામજી વિધેયક રજૂ કરવાની દરખાસ્ત કરી. આ વિધેયકનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન માટેના હાલના માળખામાં સુધારો લાવવાનો છે.

મનરેગાનું નામ બદલવાને મુદ્દે પ્રિયંકા ગાંધીનો હુમલો

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મંગળવારે લોકસભામાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી: વીબી-જી રામ જી વિધેયક, 2025નો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મનરેગા હેઠળ સૌથી ગરીબ લોકોને 100 દિવસના રોજગારનો અધિકાર આપવામાં આવ્યો હતો અને આ વિધેયક તે અધિકારને નબળો બનાવશે.

તેમણે કહ્યું કે જેમ રીતે આ વિધેયકમાં બે-ત્રણ બાબતો ઉમેરવામાં આવી છે, તે પરથી એવું લાગે છે કે દિવસોની સંખ્યા વધારવામાં આવી છે. પરંતુ શું મજૂરી વધારવામાં આવી છે? આ દરમિયાન, વિરોધ પક્ષના નેતાઓએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું અને મનરેગા અધિનિયમનું નામ બદલવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે આ પગલું આ મહત્વની ગ્રામિણ રોજગાર યોજનાની ભાવના અને અધિકાર આધારિત માળખાને નબળું પાડે છે.