ટ્રમ્પના ‘ગોલ્ડ કાર્ડ’ યોજના: 5 મિલિયન ડોલર આપો અમેરિકાના નાગરિક બનો

અમેરિકા: ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એક પછી એક મોટી જાહેરાતો કરી રહ્યા છે. જો કે આ વખતે તેમણે અમેરિકન નાગરિક બનવા ઇચ્છતા લોકો માટે એક મોટા સમાચાર આપ્યા છે. જેમાં નાગરિકતા મેળવવા માટે તમારે મોટી રકમ પણ ચૂકવવી પડશે.

ગોલ્ડ કાર્ડ યોજના જાહેર કરી  

ટ્રમ્પની યોજના અનુસાર જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે 50 લાખ ડોલર (લગભગ 43 કરોડ 55 લાખ રૂપિયા) ખર્ચવા પડશે. તેને ‘ગોલ્ડ કાર્ડ’ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો તો મળશે જ, તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે. ભવિષ્યમાં આ રીતે  10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનીક સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું કે આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે, જેનાથી દેશમાં નોકરીની તકો વધશે. ટ્રમ્પે કહ્યું કે “અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર રાખીશું. હાલમાં તમારી પાસે ગ્રીન કાર્ડ છે અને આ એક ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર જેટલી હશે અને તે તમને ગ્રીન કાર્ડ જેવા જ વિશેષાધિકારો આપશે. ટ્રમ્પે કહ્યું કે , “આનાથી નાગરિકતાનો નવો માર્ગ ખુલશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને અમેરિકા આવશે, અહીં રોકાણ કરશે અને ઘણી નોકરીઓનું સર્જન કરશે.”