અમેરિકાના સૈન્યમાં હવે ટ્રાન્સજેન્ડરની ભરતી પર રોક, તાત્કાલિક અસરથી લાગુ

અમેરિકા: ટ્રાન્સજેન્ડર હવે સેનામાં જોડાઈ શકશે નહીં. આર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ઉપરાંત સૈનિકોને જેન્ડર ચેન્જ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ન તો સેના જેન્ડર અફર્મિંગ કેરની સુવિધા પૂરી પાડશે. યુ.એસ. આર્મીએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને હવે સૈન્યમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે નહીં.’ સેના સૈનિકો માટે જેન્ડર ચેન્જ પ્રક્રિયાઓ કરવાનું કે તેને સરળ બનાવવાનું બંધ કરશે.

અમેરિકન આર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘તાત્કાલિક અસરકારક રીતે જેન્ડર ડિસફોરિયાની હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓને સેનામાં જોડાવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. સર્વિસ મેમ્બર માટે જેન્ડર ચેન્જની પુષ્ટિ કરવા અથવા સુવિધા આપવા માટેની બધી તબીબી પ્રક્રિયાઓ બંધ કરી દેવામાં આવી છે. જેન્ડર ડિસફોરિયા ધરાવતા વ્યક્તિઓએ સ્વેચ્છાએ આપણા દેશની સેવા કરી છે અને તેમની સાથે ગૌરવ અને આદર સાથે વ્યવહાર કરવામાં આવશે.’ આ જાહેરાત 27મી જાન્યુઆરીના રોજ પ્રમુખ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરને અનુસરે છે, જેમાં પેન્ટાગોન (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ)ને 30 દિવસની અંદર ટ્રાન્સજેન્ડર સૈનિકો માટે નીતિ નક્કી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

‘અમેરિકામાં ટ્રાન્સજેન્ડર માટે કોઈ સ્થાન રહેશે નહીં’

અમેરિકાના 47માં પ્રમુખ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા ભાષણમાં જણાવ્યું હતું કે, ‘મારા બીજા કાર્યકાળમાં અમેરિકામાં ટ્રાન્સજેન્ડર માટે કોઈ સ્થાન રહેશે નહીં, હવે ફક્ત બે જ જેન્ડર રહેશે, પુરુષ અને સ્ત્રી.’ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ (2016થી 2020) દરમિયાન ટ્રાન્સજેન્ડર સૈનિકો પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ કાનૂની કાર્યવાહીને કારણે તેઓ તેમ કરી શક્યા નહીં. પેન્ટાગોનના આંકડા મુજબ, યુએસ આર્મીમાં આશરે 13 લાખ સૈનિકો છે. ટ્રાન્સજેન્ડર સૈનિકોની સંખ્યા લગભગ 15,000 છે. સાતમી ફેબ્રુઆરીના રોજ, યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે વોશિંગ્ટન ડીસી કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે યુએસ સેનામાં ટ્રાન્સજેન્ડર લોકોની ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.