અમદાવાદ: વિશ્વ રંગમંચ દિવસની સમગ્ર વિશ્વમાં જુદી-જુદી રીતે ઉજવણી થઈ રહી છે. રંગમંચના કલાકારો, સંચાલકો કંઈક નવું આપવાનો પ્રયાસ કરે છે. અમદાવાદના ન્યુ રાણીપ ચેનપુરમાં આવેલ થિયેટરમાં મીડિયા સેન્ટર દ્વારા પણ ‘ઓલ અબાઉટ નાટક ફેસ્ટ 2025’ની ઉજવણી થઈ રહી છે. ગત વર્ષે થિયેટર ફેસ્ટ 2024માં આપેલા વિવિધ પરફોર્મન્સન અને અનોખા પ્રદર્શનની સફળતા પછી અર્બન મેનેજમેન્ટ સેન્ટર – થિયેટર એન્ડ મિડીયા સેન્ટર, યુવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી ‘ઓલ અબાઉટ નાટક ફેસ્ટ 2025’ની ઉજવણી કરી રહ્યું છે.દરરોજ પ્રદર્શન અને થિયેટરના તમામ પાસાઓ પર વર્કશોપ ઉપરાંત, ગુજરાતી રંગભૂમિની જૂની ધરોહર (થિયેટર આર્કાઇવ્સ)નું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. આ પ્રદર્શનમાં ભારતના થિયેટર સ્પેસના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અર્બન મેનેજમેન્ટ સેન્ટરએ અનેક શહેરી મુદ્દાઓ, જેમાં હેરિટેજ મેનેજમેન્ટ પણ સામેલ છે એના પર કાર્ય કરે છે. અમદાવાદ શહેરના વિશ્વ વારસા ઐતિહાસિક સ્થળો માટે હેરિટેજ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. UMC અને થિયેટર એન્ડ મિડીયા સેન્ટર (TMC) સાથે મળીને આ થિયેટર કલા વસ્તુઓનું પ્રદર્શન આયોજિત કર્યું છે.
થિયેટર મિડીયા સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મન્વિતા બારાડી ચિત્રલેખા.કોમને કહે છે, “આ વર્ષે પ્રદર્શનમાં ‘પરિત્રાણ’ (દિ. જશવંત ઠાકર), ‘મેના ગુર્જરી’ (જયશંકર ‘સુંદરી’), ‘રાયગઢ જાગે છે’ (નટમંડળ), ‘પ્રબુદ્ધ રૌહિણીયમ’ (શ્રી ગોવર્ધન પંચાલ) જેવી અનેક જાણીતી નાટ્ય કૃતિઓમાં વપરાયેલી પડદાઓ, વસ્ત્રો, પાગડીઓ અને પ્રોપર્ટીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સાથે 1871 અને 19મી સદીના અંતના જૂના પુસ્તકો, જેમાં ‘ભારતનાટ્ય શાસ્ત્ર’, જૂના ગુજરાતી નાટકના સ્ક્રિપ્ટ્સ, પારસી રંગમંચ સ્ક્રિપ્ટ્સ, નાટ્ય સંગીત અને અન્ય સિદ્ધાંતાત્મક પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. થિયેટરના અગ્રણીઓના દુર્લભ ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે. જેમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(NSD)ના શિક્ષક ગોવર્ધન પંચાલ, સંસ્કૃત નાટ્યક્ષેત્રના પ્રવિણ કાન્તિ મડિયા, ગુજરાતી થિયેટરના જાણીતા લેખક-દિગ્દર્શક અને 60 વર્ષ સુધી રંગમંચ પર કાર્યરત રહેલા અભિનેત્રી દામિની મહેતાનો પણ સમાવેશ થાય છે.”
મન્વિતા બારાડી કહે છે, “ગુજરાતમાં થિયેટરની ખૂબ લાંબી પરંપરા છે. ધોળાવીરામાં થયેલા ખોદકામોમાં રંગમંચની ચિહ્નો, જેવા કે માસ્ક, ઘૂઘરીઓ, પાયલ અને અભિનય કરતા સ્ત્રીની મૂર્તિઓ મળી આવી છે. પ્રાચીન ગુફા રંગમંચો અને મંદિર મંડપમાં આવેલા નૃત્ય મંડપોના પણ પુરાવા છે. ભવાઈ, લોકનાટ્ય કળા, જેમાં નૃત્ય, સંગીત અને નાટકના ઘટકો શામેલ છે. 18મી સદીમાં ગુજરાતી થિયેટર પારસી રંગમંચથી પ્રભાવિત થયું, જેમાં બ્રિટિશ સંસ્કૃતિની ઝલક અને ભારતીય સિનેમાની જેમ સંગીત-નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો.”
રંગભૂમિ, નાટક, કલાકારો અને ઈતિહાસને પ્રોત્સાહિત કરતાં થિયેટર મિડીયા સેન્ટરના આ વિશિષ્ટ ફેસ્ટિવલ, વર્કશોપ અને પ્રદર્શનને માણવા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
