સાઉદી અરેબિયા પહોંચ્યા ઝેલેન્સ્કી, ક્રાઉન પ્રિન્સ સાથે કરી બેઠક

સાઉદી અરેબિયા: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સોમવારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળવા સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ તેમની સાઉદી મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ મુલાકાત દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને શાંતિ સમજૂતી પર ચર્ચા થઈ. ઝેલેન્સ્કી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચેની બેઠક મંગળવારે યુક્રેનિયન અધિકારીઓ અને સાઉદી-અમેરિકન પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટોની પહેલ છે.ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા બાદ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત સારી રહી. અમે વૈશ્વિક બાબતો પ્રત્યેના તેમના ગંભીર અભિગમ અને યુક્રેન માટેના સમર્થન માટે આભારી છીએ. અમે દ્વિપક્ષીય સંબંધોથી લઈને પરસ્પર સહયોગ વધારવા સુધીના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. હું માનું છું કે ક્રાઉન પ્રિન્સના પ્રયાસોને કારણે શાંતિ શક્ય બનશે. સાઉદી અરેબિયા રાજદ્વારી માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ છે અને અમે તેની પ્રશંસા કરીએ છીએ.’અમેરિકન અધિકારીઓ સાથે બેઠક થશે

મંગળવારે યુએસ અધિકારીઓ સાથેની બેઠકમાં સંયુક્ત ખનીજ સોદા અને યુક્રેનમાં યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરવું તેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જો કે ઝેલેન્સ્કી યુએસ સમર્થન પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તેમ છતાં તે મીટિંગને છોડી દેશે તેવી અપેક્ષા છે. યુક્રેનિયન પ્રતિનિધિમંડળમાં તેમના ચીફ ઓફ સ્ટાફ, વિદેશ અને સંરક્ષણમંત્રીઓ અને રાષ્ટ્રપતિ વહીવટમાં એક વરિષ્ઠ સૈન્ય અધિકારી સામેલ હશે.