રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિના એક સલાહકારે દાવો કર્યો છે કે આજે ફરી એકવાર રશિયાએ યુક્રેન પર 100 થી વધુ મિસાઈલો છોડી છે. આ દરમિયાન યુક્રેનમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા. રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.
રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે ફેસબુક પર પોસ્ટ કર્યું કે રશિયા દ્વારા યુક્રેનના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. એક પછી એક મિસાઈલ સતત છોડવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિવ, ઝાયટોમીર અને ઓડેસામાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
આ વિસ્તારોમાં વીજ કાપની જાહેરાત
હુમલા બાદ, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થતા નુકસાનને ઘટાડવા માટે ઓડેસા અને નીપ્રોપેટ્રોવસ્ક પ્રદેશોમાં પાવર કટની જાહેરાત કરવામાં આવી હતી. રશિયાએ યુક્રેનની ‘શાંતિ ફોર્મ્યુલા’ને ફગાવી દીધા બાદ આ વિસ્ફોટો થયા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે યુક્રેન માટે કોઈ શાંતિ યોજના હોઈ શકે નહીં.
આ પહેલા 33 મિસાઈલ છોડવામાં આવી હતી
આ પહેલા પણ બુધવારે એટલે કે 28 ડિસેમ્બરે રશિયાએ ખેરસનના નાગરિક વિસ્તારોમાં 33 મિસાઈલો છોડી હતી. સોશિયલ મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે કે પાડોશી બેલારુસમાં તૈનાત રશિયન જેટ ઉડાન ભર્યા બાદ દેશવ્યાપી એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. 16 ડિસેમ્બરે પણ રશિયા તરફથી 70 મિસાઈલો છોડીને યુક્રેનના ત્રણ શહેરો તબાહ થઈ ગયા છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે.