નવી દિલ્હીઃ સંચાર સાથી એપને લઈને ઊઠેલા વિવાદ વચ્ચે આખરે કેન્દ્ર સરકારે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. દૂરસંચાર વિભાગે (DoTએ) સરકારી સંચાર સાથી એપને ફરજિયાત પ્રીલોડ કરવાની માગ કરતી પોતાની અગાઉની સૂચના રદ કરી છે. સરકારે સ્માર્ટફોન કંપનીઓને દરેક નવા ફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા આદેશ આપ્યો હતો. યુઝર પ્રાઇવસી અને સંભવિત જાસૂસી સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દૂરસંચાર મંત્રાલયે આજે જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઉત્પાદકો માટે તેને ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ ન કરવા સરકારે નિર્ણય કર્યો છે. દૂરસંચાર વિભાગે 28 નવેમ્બરે આદેશ આપ્યો હતો કે સ્માર્ટફોન ઉત્પાદકો અને ઇમ્પોર્ટરોને નવા ફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી પડશે. આ ઉપરાંત જૂના ફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા એપ ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એપને ન તો ડિસેબલ કરી શકાય અને ન તો ડિલીટ.
ઉલ્લેખનીય છે કે સંચાર સાથી એક સરકારી સાયબર સુરક્ષા એપ છે. જેના માધ્યમથી યુઝર્સ ફ્રોડ કોલ્સ, મેસેજિસ અને ચોરાયેલા મોબાઇલ ફોન અંગે ફરિયાદ નોંધાવી શકે છે.

થોડા સમય પહેલાં જ દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે જરૂર પડે તો સરકાર ફેરફારો કરવા તૈયાર છે. સંસદમાં તેમણે કહ્યું હતું કે અમને મળેલા પ્રતિસાદને આધારે જો આદેશમાં ફેરફાર કરવાની જરૂર પડશે તો અમે કરીશું. અમે સુધારા માટે તૈયાર છીએ. નિગરાની સંબંધિત ચિંતાઓ પર તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાસૂસી ન તો શક્ય છે અને ન તો કરવામાં આવશે.


