કુઆલાલંપુર: ભારતીય ટીમે અંડર-19 મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 20 ડિસેમ્બરના રોજ બ્યુમાસ ઓવલ ખાતે રમાયેલી સુપર-4ની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 99 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે તેણે 31 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેદાન પર જ રવિવારે 22મી ડિસેમ્બરના રોજ ફાઇનલ રમાશે.
ભારત માટે ગોંગડી ત્રિશાએ 22 બોલમાં સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. કમલિનીએ 26 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. કમલિનીએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મિથિલા વિનોદ 4 ચોગ્ગાની મદદથી 17 રન બનાવીને અણનમ રહી હતી. શ્રીલંકા તરફથી પ્રબોદાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે કેપ્ટન મનુડી નાનાયક્કારાએ 30 બોલમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. જેમાં બે સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. જ્યારે વિકેટકીપર સુમુદુ નિસાંસલાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.શ્રીલંકાના બાકીના બેટ્સમેનો બે અંક સુધી પહોંચી શક્યા ન હતા. ભારત તરફથી ડાબોડી સ્પિનર આયુષી શુક્લાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે લેફ્ટ આર્મ સ્પિન બોલર પારુણિકા સિસોદિયાએ બે સફળતા હાંસલ કરી હતી. શબનમ શકીલ અને દૃતિ કેસરીને પણ એક-એક વિકેટ મળી હતી.