બે મહિના બાદ ફરી આઝમ ખાનને કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર, ભૂતપૂર્વ વિધાનસભ્ય મોહમ્મદ અબ્દુલ્લા આઝમને રામપુરની ખાસ MP/MLA મેજિસ્ટ્રેટ કોર્ટે 2019ના ડબલ PAN કાર્ડ કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે બાપ-બેટાને સાત વર્ષની કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત બંને પર 50-50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ બંનેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન વાદી અને ભાજપના વિધાનસભ્ય આકાશ સક્સેના પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.

આ મામલો 2019નો છે. રામપુરના વિધાનસભ્ય આકાશ સક્સેનાએ અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બે અલગ જન્મ પ્રમાણપત્રોને આધારે બે PAN કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે ચૂંટણી લડવાની ન્યૂનતમ ઉંમર પૂર્ણ ન હોવા છતાં વિધાનસભ્ય બનવા માટે આ તમામ કાર્ય કર્યું હતું.

ભાજપના વિધાનસભ્ય આકાશ સક્સેનાએ મિડિયાથી વાતચીતમાં કહ્યું હતું કે બે અલગ PAN કાર્ડનો મામલો 2019નો છે. આજે લગભગ છ વર્ષ પછી તેમાં નિર્ણય આવ્યો છે. જેમાં આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમને સાત-સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. હું કોર્ટના નિર્ણયને સત્યની જીત માનું છું. અમે હંમેશાં ન્યાયપાલિકાના દરેક નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ન્યાયપાલિકા પર આપણો વિશ્વાસ રહ્યો છે.

બે મહિના પહેલાં જેલમાંથી રજા મળેલી

આઝમ ખાનને હજી બે મહિના પહેલાં 23 સપ્ટેમ્બરે જ સીતાપુર જેલમાંથી રજા મળી હતી. આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા કુલ 104 કેસોમાંથી અત્યાર સુધી 12 કેસોના ચુકાદા આવી ચૂક્યા છે. તેમાં સાત કેસોમાં તેમને સજા થઈ છે, જ્યારે પાંચ કેસોમાં તેમને છોડી મૂકવામાં આવ્યા છે. બે PAN કાર્ડના કેસમાં મળેલી સાત વર્ષની સજા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.