મુંબઈઃ દેશમાં ફરી એક વાર કોરોનાની વાપસી થઈ છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, મુંબઈના KEM હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ બે દર્દીઓનાં મોતના કેસ સામે આવતાં ચિંતા વધી છે. આ મૃતકમાં એક 58 વર્ષીય મહિલા અને બીજી 13 વર્ષીય કિશોરીનો સમાવેશ થાય છે.
આ સ્થિતિને લઈને ડોક્ટરો અને BMC અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. મુંબઈના KEM હોસ્પિટલમાં મોત થયેલી 59 વર્ષની મહિલા કેન્સરથી પીડિત હતી અને બીજી 13 વર્ષની કિશોરી કિડનીની ગંભીર સમસ્યાથી પીડિત હતી. આ બંનેનાં મોત પહેલાં કરાયેલા કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.કોરોનાને લઈને ડોક્ટરો અને BMCએ સાવધાની રાખવા માટે જણાવ્યું છે અને લોકોને વિનંતી કરી છે કે તેઓ બેદરકારી ન રાખે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કોરોના ડેશબોર્ડ મુજબ ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 46 કેસ તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં નોંધાયા છે. દેશમાં હાલ કુલ 93 એક્ટિવ કેસ છે.એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલ ડરવાની જરૂર નથી, પરંતુ લાપરવાહી પણ ન કરવી જોઈએ. ખાસ કરીને વડીલો, ગંભીર બીમારીઓથી પીડિત લોકો અને વિદેશથી પાછા આવેલા મુસાફરો માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે અને કોરોના બચવાના નિયમોનું પાલન કરવું જોઈએ.
