નવી દિલ્હીઃ તુર્કીની આખી હેકડી હવે ઊતરી ગઈ છે. પાકિસ્તાન સાથેની મિત્રતા કરવી તુર્કીને ભારે પડી છે. હા, પાકિસ્તાનને ટેકો આપવાનો દાવો તુર્કી માટે ઊલટો પડી ગયો છે. તેનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. આવકમાં ભારે ઘટાડો થયો છે. જૂનમાં તુર્કી જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ૩૭ ટકા ઘટાડો નોંધાયો છે. તુર્કી માટે આ મોટો ઝટકો છે કારણ કે પરંપરાગત રીતે ભારતીય પ્રવાસીઓ સૌથી વધુ જૂનમાં મુસાફરી કરતા રહ્યા છે.
પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. તુર્કીએ માત્ર નિવેદનોમાં જ નહીં પણ હથિયારો દ્વારા પણ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. ભારતે જ્યારે તુર્કીના ડ્રોન પાકિસ્તાન દ્વારા હુમલામાં ઉપયોગ થયાનું ખુલાસો કર્યોં, ત્યારે દેશમાં “બોયકોટ તુર્કી” અભિયાન શરૂ થયું. જેના કારણે અનેક ભારતીયોએ તુર્કી જવાનું ટાળ્યું હતું.
તુર્કીના સત્તાવાર પ્રવાસન આંકડાઓ મુજબ, 2025ના જૂનમાં ફક્ત 24,250 ભારતીય પ્રવાસીઓએ જ તુર્કી પ્રવાસ કર્યો, જ્યારે ગયા વર્ષે એટલે કે જૂન 2024માં આ આંકડો 38,307 હતો, એટલે કે લગભગ ૩૭ ટકા ઘટાડો. મેમાં પણ આંકડો ઘટ્યો હતો — 31,659 ભારતીય પ્રવાસીઓ ગયા હતા, જ્યારે મે, 2024માં આ સંખ્યા 41,554 હતી.
બોયકોટ તુર્કીની અસર
તુર્કીના પાકિસ્તાન સમર્થનને કારણે ભારતમાં બોયકોટ તુર્કી અભિયાન શરૂ થયું. MakeMyTrip, EaseMyTrip અને Cleartrip જેવી ઓનલાઇન ટ્રાવેલ કંપનીઓએ પણ આ અભિયાનમાં ભાગ લીધો અને તુર્કી ટૂર પેકેજોને પ્રોત્સાહન ન આપવાનો નિર્ણય કર્યો. આ અભિયાનની અસર ધીમે-ધીમે હવે સ્પષ્ટ દેખાઈ રહી છે.
