અલાસ્કામાં ટ્રમ્પ-પુતિનની ઐતિહાસિક મુલાકાત: 15 ઓગસ્ટે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા

અમેરિકા: સમગ્ર દુનિયાની નજર હાલ તો અલાસ્કા પર ટકેલી છે, જ્યાં આગામી શુક્રવારે એટલે કે 15મી ઓગસ્ટ 2025ના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામ-સામે થશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરશે, જેણે છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં લાખો લોકોના જીવનને બરબાદ કરી દીધા છે.

ટ્રમ્પે આપી માહિતી 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “અમેરિકાના પ્રમુખ તરીકે હું અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી શુક્રવારે અમેરિકાના મહાન રાજ્ય અલાસ્કામાં મળીશું. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.”

એક દાયકા પછી પુતિન જશે અમેરિકા  

એક દાયકા પછી પુતિનની આ અમેરિકાની પ્રથમ મુલાકાત હશે. અગાઉ, તેઓ સપ્ટેમ્બર 2015માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે હું પુતિન સાથે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરીશ અને મને આશા છે કે આ શાંતિ કરાર માટે એક તક છે.

અગાઉ પ્રસ્તાવ ફગાવ્યો હતો રશિયાએ  

જો કે ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે રસ્તો સરળ નહીં હોય. અગાઉ અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી અને સંભવિત ત્રિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી પણ સામેલ થશે. પરંતુ ક્રેમલિને આ પ્રસ્તાવનો જવાબ આપ્યો ન હતો.