અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથે મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે બંને દેશોમાં સ્થાનિક વ્યવસાયો માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. આ દરમિયાન, મેક્સિકોના રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે, ‘મેં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ તાત્કાલિક અસરથી એક મહિના માટે મેક્સિકો પર ટેરિફ રોકવા સંમત થયા છે.’
મેક્સિકો સાથે શું સમજૂતી થઇ?
નોંધનીય છે કે, મેક્સિકોએ અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી અટકાવવા માટે તાત્કાલિક 10,000 નેશનલ ગાર્ડ્સમેનને સરહદ પર તૈનાત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે પછી ટ્રમ્પ મેક્સિકો સામે એક મહિના સુધી ટેરિફ રોકવા સંમત થયા છે. રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે, ‘હું અને ટ્રમ્પ સંવાદ ચાલુ રાખવા માટે સંમત થયા છે, પરંતુ હાલ અમારી વચ્ચે મુલાકાતનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.’ બીજી તરફ, ટ્રમ્પે પણ મેક્સિકન રાષ્ટ્રપતિ સાથેના આ ટૂંકા ગાળાના કરારની પુષ્ટિ કરી અને કહ્યું કે, ‘ટેરિફ તાત્કાલિક અસરથી એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે.’
જસ્ટિન ટ્રુડો સાથે પણ વાત કરી
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત બાદ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા કેનેડા પર લાદવામાં આવનાર ટેરિફ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. એક દિવસ પહેલા, અમેરિકાએ કેનેડા પર 25 ટકાનો જંગી ટેરિફ લાદ્યો હતો, જેનાથી વેપાર યુદ્ધનું જોખમ વધ્યું હતું. ટ્રુડોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ઉઠાવવામાં આવેલી સરહદી ચિંતાઓ પર ઓટ્ટાવા દ્વારા વધુ સહયોગનું વચન આપ્યા બાદ અને સરહદ સુરક્ષા પ્રયાસોને વેગ આપવા સંમત થયા બાદ યુએસ રાષ્ટ્રપતિ લગભગ 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવા સંમત થયા હતા.
ટ્રમ્પનું વલણ કડક કેમ?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટેરિફ વોર’ને ‘ડ્રગ વોર’ ગણાવ્યું હતું, તેમના જણાવ્યા મુજબ કેનેડા અને મેક્સિકોમાંથી અમેરિકામાં મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આના કારણે દર વર્ષે હજારો અમેરિકનો માર્યા જાય છે. ટ્રમ્પે મેક્સિકોની સાથે કેનેડા પર પણ 25 ટકા ટેરિફ લાદ્યો છે. આના જવાબમાં કેનેડાએ પણ અમેરિકન ઉત્પાદનો પર ભારે કર લાદવાની જાહેરાત કરી હતી.
ટ્રુડોએ ટ્રમ્પને જવાબ આપ્યો!
સોશિયલ મીડિયા પર કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, ‘નોર્મેન્ડીથી લઇન કંદહાર સુધી, અમે દરેક સંઘર્ષમાં અમેરિકા સાથે લડ્યા છીએ અને બલિદાન આપ્યા છે. ઈરાની બંધક કટોકટી દરમિયાન 444 દિવસ સુધી, અમે અમારા દૂતાવાસમાંથી બંધકોને બચાવવા અને તમારા નિર્દોષ લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત કામ કર્યું. માટે અમેરિકાએ અમારી સાથે ભાગીદારી કરવી જોઈએ, અમને સજા ન આપવી જોઈએ.’