મહેસાણામાં ખાનગી ઉડ્ડયન એકેડેમીનું ટ્રેનર વિમાન ક્રેશ, મહિલા પાયલટ ઘાયલ

મહેસાણા: જિલ્લાના ઉચરપી ગામ નજીક એક ટ્રેનિંગ વિમાનના અકસ્માતનો બનાવ સામે આવ્યો. બ્લૂ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેઈની પાઈલટ ઘાયલ થઈ હતી.

બ્લૂ રે એવિએશન કંપની દ્વારા પાઈલટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ટ્રેનિંગ દરમિયાન વિમાન અચાનક ખેતરમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ઘાયલ મહિલા પાઈલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહેસાણાના એરોડ્રોમ સ્થિત પાઈલટ ટ્રેનિંગ સેન્ટરથી ઉડાન ભરેલું ટ્રેનિંગ વિમાન ઉચરપી ગામના એરંડાના ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાઈલટ અલેખ્યા ઈજાગ્રસ્ત થઈ છે. તેને તાત્કાલિક મહેસાણાની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વિમાન પડતાં ખેતરમાંથી અવાજને કારણે આસપાસનાં ગામના લોકો ચોંકી ગયા અને તરત જ ઘટનાસ્થળે દોડી ગયા. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર અને એવિએશન વિભાગ દ્વારા અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.