રાજ્યનાં શહેરોમાં પહેલગામ હુમલા મુદ્દે વેપારીઓનું બંધ

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયાં છે એને પગલે રાજ્યમાં પણ ઠેર-ઠેર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાયા છે. એટલું જ નહીં પરંતુ લોકોએ આતંકવાદ સામે વિરોધ પ્રદર્શનો કર્યાં છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વેપારીઓ, સ્થાનિક અને યુવાનો ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરીને આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.

રાજ્યમાં માણસા માર્કેટયાર્ડ, મુખ્ય બજાર, સરદાર પટેલ શોપિંગ સેન્ટર સહિતનાં બજારો બંધ રહ્યાં હતાં. તેની સાથે સાથે પાલનપુરમાં સંતો-મહંતો અને હિંદુ સંગઠનોના કાર્યકરો શ્રદ્ધાંજલિ આપી અને પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યો હતો. પાલનપુરમાં બંધના એલાન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી.

વડોદરાના આસપાસના તમામ દુકાનદારોએ બંધ પાળીને પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યાં હતાં. આ સાથે મહીસાગર જિલ્લાનું સંતરામપુર શહેરમાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. છોટા ઉદેપુરમાં પણ વેપારીઓએ પોતાના બજારો બંધ રાખીને એલાનનું પાલન કર્યું અને આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો. છોટા ઉદેપુર નગરના તમામ વિસ્તારોમાં બંધનું ચુસ્ત પાલન જોવા મળ્યું હતું.

ખાસ વાત એ પણ છે કે અહીં લોકોએ આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે માગ કરી હતી. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં લોકો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.