મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાએ (NSE) એપ્રિલ 2025માં એક સફળતા હાંસલ કરી છે. NSEમાં કુલ રોકાણકાર એકાઉન્ટ્સ એટલે કે યુનિક ક્લાઈન્ટ કોડ્સ (UCCs)ની સંખ્યા 22 કરોડ (220 મિલિયન)ને પાર થઈ છે, એક્સચેન્જમાં ઓક્ટોબર, 2024માં 20 કરોડ (200 મિલિયન)નો આંકડો પાર કર્યા બાદ ફક્ત છ મહિનામાં જ આ વધારો થયો છે. આ સિવાય એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 31 માર્ચ, 2025ની સ્થિતિએ 11.3 કરોડ હતી, જે 20 જાન્યુઆરી, 2025એ 11 કરોડ (110 મિલિયન)નો માઇલસ્ટોન પાર કર્યો હતો.
એક જ રોકાણકાર પાસે વિવિધ બ્રોકરો સાથે અલગ-અલગ એકાઉન્ટ હોઈ શકે છે, જેથી બહુવિધ ક્લાયન્ટ કોડ્સ બની શકે છે. આમાં મહારાષ્ટ્ર 3.8 કરોડ રોકાણકારોના એકાઉન્ટ્સ સાથે અગ્રેસર છે, ત્યાર બાદ ઉત્તર પ્રદેશ (2.4 કરોડ), ગુજરાત (1.9 કરોડ) અને રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળમાં આશરે દરેક રાજ્યમાં 1.3 કરોડ રોકાણકારોના એકાઉન્ટ્સ છે. દેશમાં કુલ આ પાંચ રાજ્ય પાસે રોકાણકારોના કુલ એકાઉન્ટ્સના લગભગ 49 ટકા હિસ્સો છે, જયારે ટોચનાં 10 રાજ્યોમાં કુલ મળીને લગભગ ત્રણ ચતુર્થાંશ રોકાણકારોના એકાઉન્ટ્સનો હિસ્સો છે.
પાછલાં પાંચ વર્ષમાં બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે 22 ટકા અને નિફ્ટી 500 ઇન્ડેક્સે 25 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ સર્જન દર્શાવે છે. NSEના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (IPF) 31 માર્ચ, 2025એ વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 2459 કરોડ થયું છે.
NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણનએ જણાવ્યું હતું કે ભારતમાં રોકાણકાર આધાર ઝડપથી વધતો જાય છે, જે ફક્ત છ મહિનામાં બે કરોડ નવા એકાઉન્ટ્સ ઉમેરાયા છે – જે ભારતના ગ્રોથમાં રોકાણકારોના મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ છે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા છતાં. આ ગ્રોથને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને મોબાઈલ ટ્રેડિંગના વધતા ઉપયોગ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે, જેને કારણે ટિયર 2, 3 અને 4 શહેરોમાં પણ કેપિટલ માર્કેટ્સ ઝડપથી અને સરળતાથી પહોંચી રહ્યાં છે. નાણાકીય સાક્ષર કાર્યક્રમો અને સરળ KYC પ્રક્રિયાઓ જેવી પહેલો દ્વારા શેરબજારમાં રિટેલ ભાગીદારીમાં વધારો થયો છે. ઇક્વિટીઝ, ETFs, REITs, InvITs અને બોન્ડ્સ જેવાં મૂડીરોકાણનાં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણકારોની વ્યાપક ભાગીદારી દર્શાવે છે કે ભારતનું નાણાકીય ઇકોસિસ્ટમ વધુ વિકસિત થઈ રહ્યું છે, જ્યાં ટેક્નોલોજી રોકાણની તકોને વ્યાપક બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
