ખેડાઃ જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં કરંટ લાગવાથી ત્રણ લોકોનાં અકાળે મોત થયાં છે. આગરવા મહારાજના મુવાડામાં કૂવાની મોટરમાંથી કરંટ લાગવાથી માત્રા, પુત્ર અને પુત્રીનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો મળ્યા અનુસાર બે વર્ષની છોકરી મીરાને ખેતરના કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગ્યો હતો. જેથી તેની માતા અને ભાઈ તેને બચાવવા દોડી આવ્યા હતાં, પરંતુ દીકરીને બચાવવા માટે જતાં 39 વર્ષીય માતા ગીતાબહેન અને આઠ વર્ષના પુત્ર દક્ષેશને પણ વીજ કરંટ લાગ્યો હતો.
એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થતાં પથંકમાં ભારે શોકનો માહોલ છવાયો ગયો હતો. પહેલા બે વર્ષની દીકરીને કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે માતા પણ દોડી આવી તો તેને પણ કરંટ લાગ્યો અને સાથે આઠ વર્ષના ભાઈને પણ કરંટ લાગ્યો હતો. આ ત્રણેય લોકોનાં કરંટ લાગતાં અકાળે મોત થયાં છે. પરિવારજનો અત્યારે હ્રદય કંપાવતું રૂદન કરી રહ્યાં છે. આ ઘટનાને પગલે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આ પહેલાં જિલ્લાના મહેમદાબાદના કનીજ ગામમાં કાળજું કંપાવનારી ઘટના બની હતી., ખેડા જિલ્લાના કનીજ ગામમાં મેશ્વો નદીમાં ડૂબતાં છ બાળકોનાં મોત થયાં હતાં. અમદાવાદના નરોડાનાં બાળકો મામાના ઘરે વેકેશનમાં આવ્યાં હતાં. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
