BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અદભુત શો

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશના 1 લાખથી વધુ કાર્યકરો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજે સૌ કાર્યકરોને આશીર્વાદ આપ્યા.

કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી..

સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમોથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજી ઉઠયું. BAPSના સુવર્ણ મહોત્સવમાં એક લાખ કાર્યકરોના સામૂહિક ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સંગીત, પારંપારિક નૃત્ય સાથે લેઝર લાઇટીંગે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.આ સ્વયંસેવકની સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ આ કાર્યકરોની રોમાંચક ગાથાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કપરી પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા BAPSના મહિલા કાર્યકરો અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.

મહંત સ્વામી મહારાજનું આગમન

કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ.ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત યજ્ઞપ્રિય સ્વામીએ એમના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે એના વિશે વાત કરી હતી. ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં મહંત સ્વામી મહારાજનું આગમન થયું, ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં, જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા એમ એમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય એવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી. આ રીતે મહંત સ્વામીનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં 955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.

BAPSના કાર્યકર્તાઓનો પરિચય

આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. જેમાં કેટલાક તો દસકાઓથી સેવા આપી રહ્યા છે. આ તમામ કાર્યકરો નિ:સ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ હું તમને કહીશ કે, 1992માં ગાંધીનગરના અક્ષરધામનું ઉદ્ધાટન થયું હતું. આ સાથે યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. જેમાં આઇ.આઇ.એમ.ના મુખ્ય કાર્યવાહક ત્યાં આવ્યા હતા. વ્યવસ્થા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. આ સાથે મહોત્સવમાં એક સંત પાસે જઈને ત્રણ કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણ્યું. ત્યારે સંતે કહ્યું કે, આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે.

દિપ પ્રાગટ્ય..

સુવર્ણ કાર્યકર મહોત્સવનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ દરમિયાન મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંચ પર પહોંચ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.

મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો

આ સુર્વણ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાયા હતા. એમણે સંબોધનમાં કહ્યું હતું, કે ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઊર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો પ્રધાનમંત્રી મોદીએ કાર્યકરોનો એક કિસ્સો પણ યાદ કરતા કહ્યું, “યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનથી પૉલેન્ડ પહોંચી ગયા હતા. એ સમયે મેં BAPSના એક સંત સાથે અડધી રાતે વાત કરી. મેં અમને આગ્રહ કર્યો કે જે ભારતીય પૉલેન્ડ પહોંચી રહ્યા છે. એમની મદદ માટે મને તમારો સહયોગ જોઈએ છે. રાતોરાત આખા યુરોપથી BAPSના કાર્યકરો મદદ માટે આગળ આવ્યા હતા.”

આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ

કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત સ્વામી-મહંતો, મંત્રી, હરિભક્તો સૌને મારા નમસ્કાર, જય સ્વામી નારાયણ… પ્રમુખ સ્વામી મહારાજના 103મા જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ દિવ્ય અવસરે મને ઉપસ્થિત રહેવાની તકે મળી એ મારું સૌભાગ્ય છે. સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણવંદના કરું છું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજાએ સંસ્કારોનું વૃક્ષ વાવ્યું. મને લાગે છે કે, આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે.

આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી

બ્રહ્મવિહારી સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનની મેચ બાદ બીજીવાર સ્ટેડિયમ આખુ ભરાઈ ગયું છે. મેચમાં તો એક ટીમ જીતે અને એક હારે ત્યારે એક તરફ દુખ હોય બીજી તરફ ખુશી હોય, બે પ્રકારની સ્થિતિ હોય છે. પરંતુ આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી, ઉત્સાહ અને આનંદ છે. આ BAPSની ટીમ છે જે એક જ છે.’વધુમાં ઉમેર્યુ કે, “કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું – અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે. જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા.

બીજ, વટવૃક્ષ અને ફળ અંતર્ગત પ્રસ્તુતિઓ

બીજઃ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.વટવૃક્ષઃ એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી.

ફળઃ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.કાર્યક્રમનું સમાપન

અંતમાં મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા ‘ કાર્યકરાણાં અભિવંદનમ્, સમર્પિતાનામ્ અભિવંદનમ્’ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે કરવામાં આવી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશના 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજે સૌ કાર્યકરોને આશીર્વાદ આપ્યા.