નવી દિલ્હીઃ ગોવાના ચર્ચિત અગ્નિકાંડના આરોપી લુથરા ભાઈઓને આજે થાઇલેન્ડથી ભારત લાવવામાં આવ્યા છે. આરોપી ગૌરવ લુથરા અને સૌરભ લુથરાને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગોવાની એક નાઇટ ક્લબમાં થયેલા આગના અકસ્માતમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ નાઇટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા અકસ્માત બાદ તરત જ દિલ્હીથી થાઇલેન્ડ ફરાર થયા હતા.
આજે લૂથરા ભાઈઓ દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઊતરતાં જ ગોવા પોલીસની એક ટીમ તેમની રાહ જોઈ રહી હતી. બંનેને દિલ્હી એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
નાઇટક્લબમાં આગ લાગવાની ઘટનાને લઈને તેમના વિરુદ્ધ બિનઇરાદાપૂર્વક હત્યા અને બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઓનલાઈન પ્રસારિત વિડિયોમાં 44 વર્ષીય ગૌરવ અને 40 વર્ષીય સૌરભને ભારત રવાના થતાં પહેલાં બેન્કોક એરપોર્ટ પર થાઇલેન્ડ પોલીસની દેખરેખ હેઠળ લઈ જતા જોવા મળ્યા હતા.
ફુકેટમાં લુથરાભાઈઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતા
ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપ બાદ થાઇલેન્ડના અધિકારીઓએ 11 ડિસેમ્બરે ફુકેટમાં લુથરાભાઈઓને હિરાસતમાં લીધા હતા. ભારતીય મિશન આ મામલે થાઇલેન્ડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ગૌરવ લુથરા અને સૌરભ લુથરા ઉત્તર ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબના સહ-માલિક છે. આગની ઘટના બાદ તરત જ તેઓ થાઇલેન્ડના ફુકેટ ગયા હતા.
STORY | Goa nightclub fire: Luthra brothers land in Delhi after being deported from Thailand
Gaurav Luthra and Saurabh Luthra, brothers and co-owners of the Goa nightclub where a fire killed 25 people, landed in Delhi on Tuesday after they were deported from Thailand.
READ |… pic.twitter.com/f5gKHaP8uS
— Press Trust of India (@PTI_News) December 16, 2025
એવું જણાવવામાં આવ્યું છે કે ઘટના સમયે તેઓ દિલ્હીમાં એક લગ્ન સમારોહમાં હાજર હતા. તેમના વિરુદ્ધ ઇન્ટરપોલનીં ‘બ્લુ કોર્નર નોટિસ’ જારી કરવામાં આવી હતી. બંને ભાઈઓનાં પાસપોર્ટ રદ કર્યા બાદ ભારતીય સરકારે 25 લોકોના મોતમાં તેમની કથિત સંડોવણીને લઈને થાઇલેન્ડના અધિકારીઓને એક ‘ડોઝિયર’ સોંપ્યું હતું અને તેમને નિર્વાસિત કરવાની ઔપચારિક વિનંતી કરી હતી. ભારત અને થાઇલેન્ડે 2013માં એક પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જે જૂન, 2015માં અમલમાં આવી હતી.


