નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ઉપરાષ્ટ્રપતિ પદ માટે 21 ઓગસ્ટ સુધી નામાંકન દાખલ કરી શકાશે, જ્યારે નવ સપ્ટેમ્બરે મતદાન થશે. જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી થયું છે. અને હવે આ પદ માટે ફરી ચૂંટણી જરૂરી બની છે. ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. વર્ષ 2022માં થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ NDAના ઉમેદવાર તરીકે જીત્યા હતા. અને વિપક્ષી ઉમેદવાર માર્ગ્રેટ અલ્વા પર વિજય મેળવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણીની તારીખો:
(i) ચૂંટણીની અધિસૂચના જાહેર કરવાની તારીખ: 07 ઓગસ્ટ, 2025 (ગુરુવાર)
(ii) નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ, 2025 (ગુરુવાર)
(iii) નામાંકનની તપાસની તારીખ: 22 ઓગસ્ટ, 2025 (શુક્રવાર)
(iv) નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 25 ઓગસ્ટ, 2025 (સોમવાર)
(v) મતદાનની તારીખ: 9 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)
(vi) મતદાનનો સમય: સવારે 10:00 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી
(vii) મતગણતરીની તારીખ: 09 સપ્ટેમ્બર, 2025 (મંગળવાર)
ઉપરાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી લાયકાતો:
ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે. તેની ઓછામાં ઓછી વય 35 વર્ષ હોવી જોઈએ. રાજ્યસભા માટે લાયક હોવો જોઈએ, એટલે કે ઉમેદવારે રાજ્યસભાની ચૂંટણી માટે જરૂરી તમામ લાયકાતો પૂર્ણ કરેલી હોવી જોઈએ.
જેતે ઉમેદવાર લાભના પદ પર ન હોવો જોઈએ. ઉમેદવાર રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઇ પગારધારકપદે ન હોય (જેમ કે સરકારી નોકરી). જોકે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે મંત્રી માટે આ નિયમ લાગુ પડતો નથી.
