નવી દિલ્હીઃ સરકારના તાજા અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ની વૃદ્ધિ દર 7.5 ટકા રહે એવી શક્યતા છે, જે 2024-25માં 6.5 ટકા નોંધવામાં આવી હતી. સરકારનું માનવું છે કે મજબૂત ઘરેલુ માગ, રોકાણ પ્રવૃત્તિઓમાં સુધારો અને નીતિગત સમર્થનથી આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે, જેને કારણે વિકાસ દરમાં આ વધારો શક્ય બનશે.
નેશનલ સ્ટેસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા GDPના સરકારી અનુમાન અનુસાર વિત્ત વર્ષ 2025-26માં આર્થિક વૃદ્ધિનું નેતૃત્વ સર્વિસ સેક્ટર કરશે. અનુમાન છે કે સેવા ક્ષેત્રનો વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે, જ્યારે ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ અને અન્ય સેવાઓમાં સૌથી વધુ 9.9 ટકાની વૃદ્ધિ નોંધાય એવી શક્યતા છે.
GDPની ગતિમાં વેગનો અંદાજ
આ ઉપરાંત ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓમાં 7.5 ટકાની વૃદ્ધિનો અંદાજ છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર પણ વર્તમાન વિત્ત વર્ષ દરમિયાન 7.0 ટકાની ગતિએ આગળ વધવાની શક્યતા છે, જેને ઘરેલુ માગ અને સરકારના મૂડી ખર્ચથી આધાર મળશે.
બીજી તરફ, ક્રેડિટ રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે વિત્ત વર્ષ 2026-27માં ભારતની આર્થિક વૃદ્ધિ દર 6.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. એજન્સી મુજબ GST અને ઇન્કમ ટેક્સમાં ઘટાડા જેવા સુધારા તથા ટ્રેડ ડીલ્સથી આર્થિક પ્રવૃત્તિઓને બળ મળશે અને વૈશ્વિક અસ્થિરતાની અસરથી અર્થતંત્ર મોટે ભાગે સુરક્ષિત રહેશે.
એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર કુમાર પંતે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં ઊંચી વૃદ્ધિ સાથે નીચી મોંઘવારી (સરેરાશ 3.8 ટકા રિટેલ મોંઘવારી)નું વાતાવરણ રહી શકે છે. તેમણે કહ્યું હતું કે ઓછા શૂલ્કવાળો ભારત-અમેરિકા વેપાર કરાર GDP વૃદ્ધિને વધુ ટેકો આપી શકે છે.. એ સાથે જ વિત્ત વર્ષ 2026-27માં રૂપિયો સરેરાશ 92.26 રૂપિયા પ્રતિ ડોલર રહેવાની શક્યતા બતાવવામાં આવી છે, જ્યારે વર્તમાન નાણાં વર્ષમાં તે 88.64 રૂપિયા પ્રતિ ડોલર છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો મળશે ફાયદો
ઇન્ડિયા રેટિંગ્સના જણાવ્યાનુસાર ન્યુ ઝીલેન્ડ, બ્રિટન અને ઓમાન સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારો (FTA) વિદેશી રોકાણને પ્રોત્સાહન આપશે અને ચાલુ ખાતા ખાધને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થશે.


