CM એ જ પાર્ટીનો બનશે, જેને બહુમતી મળશેઃ દિગ્વિજય સિંહ

પટના: બિહારમાં મતદાર અધિકાર યાત્રા પૂર્ણ થતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સભ્ય દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો “હાઈડ્રોજન બોમ્બ” RJDના માથા પર જ ફોડ્યો છે. બિહારમાં ઈન્ડિયા ગઠબંધનમાં CMના ચહેરાને લઈને દિગ્વિજય સિંહે કહ્યું હતું કે CM એ પાર્ટીનો બનશે, જેને બહુમતી મળશે. “કોણ CM બનશે, જો અમે નક્કી કરી લઈએ તો તમે શું કરશો? તેથી રાહ જુઓ, એમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રાહ જુઓ હાઈડ્રોજન બોમ્બનો.

વાસ્તવમાં યાત્રા પૂર્ણ થયા પછી મહાગઠબંધનની અંદર ફરીથી સીટ વહેચણીને લઈને ઘમસાણ સર્જાયું છે. જોકે મતદાર અધિકાર યાત્રાને સફળ બનાવવા માટે RJD નેતા તેજસ્વી યાદવે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી હતી, પરંતુ આખું શ્રેય કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લઈ ગયા.

કોંગ્રેસી કાર્યકર્તાઓ આને ફક્ત રાહુલ ગાંધીની જ યાત્રા ગણાવી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ યાત્રાની સફળતાથી ખુશીથી ઊછળી રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસનો આ આત્મવિશ્વાસ RJDપ્રમુખ લાલુ યાદવ અને તેજસ્વી યાદવને ભારે પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી હવે RJD પાસેથી બરાબરીની સીટ માગે છે. તે ઓછામાં ઓછી 90 સીટ પર ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે.

કોંગ્રેસના વ્યૂહરચનાકારો હવે બિહારમાં પોતાની માટે 90 સીટ માગે છે. કોંગ્રેસના કેટલાક રાષ્ટ્રીય નેતાઓએ પટનાની એક હોટેલમાં અનૌપચારિક બેઠક કરી હતી, જેમાં આ પ્રકારની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના કેટલાક નેતાઓએ હવે 70ની જગ્યાએ 90 સીટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રાદેશિક નેતૃત્વે પણ આને ટેકો આપ્યો છે.