આતંકવાદી હુમલાને પગલે શ્રીનગરમાં બાપુની કથા અધવચ્ચે આટોપાઇ

રાજકોટ: પહેલગામમાં આતંકી હુમલાને લઈને જમ્મુ-કાશ્મીરમાં તણાવનો માહોલ છે. ત્યારે પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુની રામકથા હાલ શ્રીનગરમાં ચાલી રહી છે. એને પાંચમા દિવસે જ વિરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને સુરક્ષાની દ્રષ્ટિએ તંત્રને સાથ આપવાની સાથે માનવ સંવેદનાને ધ્યાનમાં રાખીને મોરારીબાપુ દ્વારા જ કથાના પૂર્ણ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરારીબાપુની 955મી રામકથા તારીખ 19 એપ્રિલથી દાલ લેક નજીક કન્વેશન સેન્ટરમાં શરુ થઇ હતી. આ કથા તારીખ 21 સુધી ચાલવાની હતી. પરંતુ ગઈ કાલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, એમાં 28 પ્રવાસીઓના મોત થયા. આ ઘટનાને પગલે જમ્મુ-કાશ્મીર હાઈ એલર્ટ પર છે. ત્યારે મોરારીબાપુની કથા સાથે જોડાયેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આજે પાંચમા દિવસે જ બાપુએ કથાનો અલ્પવિરામ મુકાયો હોવાનું જાહેર કર્યું છે. મોરારીબાપુ સાથે નજીકથી જોડાયેલા અને મહુવાના કૈલાશ ગુરુકુળનું સંચાલન સંભાળતા જયદેવભાઈ માંકડે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહ્યું કે, “સ્થાનિક પરિસ્થિતિ અને માનવતાને ધ્યાનમાં રાખીને બાપુએ આ નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં સ્થિતિ જયારે સારી થશે ત્યારે બાકીના ચાર દિવસની કથા બાપુ કાશ્મીરમાં કરશે હાલ કથાનો પૂર્ણવિરામ મુકાયો છે.”

મોરારીબાપુએ પહેલગામના હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિવગંતના પરિવારને રૂપિયા પાંચ લાખની સહાય રાશિ તુલસીપત્ર રૂપે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. શ્રીનગરની કથા માટે ગુજરાતથી કેટલાક સાહિત્યકારો, લેખકો કાશ્મીર ગયા છે. હાલ બાપુ સતાહૈ ટીમમાં જોડાયેલા તમામ સુરક્ષિત હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું.

દેવેન્દ્ર જાની ( રાજકોટ)