આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ગુસ્સામાં છે, ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં અનેક જિંદગીઓ ગુમાવી દીધી છે. અમારી આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ છે.

તેમણે કહ્યું હતું કે હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માગું છું કે સરકાર દરેક જરૂરી પગલાં ભરશે. અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનારા દોષિતો સુધી પહોંચીશું, પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું. આરોપીઓને ટૂંક સમયમાં જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે.

આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ અધૂરો છોડીને દિલ્હી આવ્યા ગયા અને આવતાં જ એક્શન મોડમાં જોવા મળ્યા છે. દિલ્હીમાં સાંજે છ વાગ્યે CCSની બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન આતંકવાદી હુમલાથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે ત્રણેય સેનાઓના પ્રમુખોએ પણ સંરક્ષણ મંત્રીને કહ્યું છે કે તે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.

રાજનાથ સિંહ સાથે ઈમરજન્સી બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનાં પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. એ પહેલા આજે સંરક્ષણ મંત્રીને પહલગામ અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.