નવી દિલ્હીઃ પાછલા મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ક્રિકેટ મુકાબલા રમાયા હતા અને ત્રણેય મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મહિને પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2025માં પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો. આ બધી જ મેચોમાં રમતની સાથે ભારતીય ટીમની “નો હેન્ડશેક પોલિસી” ચર્ચામાં રહી હતી. આ ચારેય મેચોમાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા ઇનકાર કર્યો હતો. પરિણામે મેદાનમાં ભારે વિવાદ સર્જાયો હતો. હવે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે, પરંતુ આ વખતે ક્રિકેટમાં નહીં, પણ હોકીના મેદાનમાં. તેમ છતાં સવાલ એ જ ઊભો થાય છે કે શું બંને ટીમો હાથ મિલાવશે કે નહીં?
શું હાથ મિલાવશે બંને ટીમો?સુલતાન જોહોર હોકી કપ 2025માં આજે એટલે કે 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમનેસામને આવશે. મેચ પહેલાં સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ તેની જુનિયર ટીમને મલેશિયાના જોહોર બારુમાં ભારતીય ખેલાડીઓ સાથે કોઈ પણ પ્રકારનો હાથ મિલાવવાનો અથવા અનાવશ્યક ઝઘડો કરવાનું ટાળો તેવાં સૂચનો આપ્યાં છે, એમ એક અહેવાલ કહે છે.
સુલતાન જોહોર હોકી કપનું આયોજન જોહોર બારુના તમન દયા હોકી સ્ટેડિયમમાં થઈ રહ્યું છે, જેમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ભારત, મલેશિયા અને ન્યુ ઝીલેન્ડની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ 11 ઓક્ટોબરે થયો હતો અને ફાઇનલ 18 ઓક્ટોબરે રમાશે. જુનિયર ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે, જેને લઈને PHFએ પોતાના ખેલાડીઓને ખાસ સૂચનાઓ આપી છે.
રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ
PHFના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય કોચ કામરાન અશરફ મારફતે પાકિસ્તાનની જુનિયર ટીમ અને સ્ટાફને મેદાન પર ભારતીય ખેલાડીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવા અને સુલતાન જોહોર કપ મેચમાં ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. PHFએ ખેલાડીઓને કહ્યું છે કે તેઓ ભારતીય ખેલાડીઓ તરફથી હાથ મિલાવવાની અપેક્ષા ન રાખે અને પોતે પણ હાથ મિલાવવાની પહેલ ન કરે.
