મોરબીઃ મોરબીમાંથી શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવ્યાં છે. મોરબી SOGએ આઠ વ્યક્તિ પાસેથી નવ હથિયાર કબજે કર્યા છે. આ વ્યક્તિઓએ ઓલ ઈન્ડિયા પરમિટ મેળવેલા હથિયારો એજન્ટ થકી મગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. મોરબીમાં શંકાસ્પદ લાઇસન્સવાળાં હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મણિપુર અને નાગાલેન્ડથી ખરીદેલાં હથિયારોના શંકાસ્પદ લાયસન્સ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. એજન્ટો દ્વારા મણિપુર અને નાગાલેન્ડથી હથિયારો મગાવવામાં આવ્યાં છે. SOGએ 2 પિસ્તોલ, છ રિવોલ્વર, 1 બારબોર અને 251 અલગ-અલગ કાર્ટીઝ જપ્ત કર્યા છે.
મોરબી SOGએ રોહિત ફાગલિયા, ઈસ્માઈલભાઈ કુંભાર, મુકેશ ડાંગર, પ્રકાશ ઉનાલિયા, પ્રવીણસિંહ ઝાલા, માવજીભાઈ બોરિયા અને શિરાજ ઉર્ફે દુખી પોપટિયાના હથિયાર કબજે કર્યા છે. SOGએ 8.74 લાખના હથિયાર અને 57,000ની કાર્ટીઝ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે સુરેન્દ્રનગરમાં મારામારી, હત્યા, ખનિજ ચોરી સાથે જોડાયેલાં આવારા લુખ્ખાં તત્વો પાસેથી 25 જેટલાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસે 221 કારતૂસ, 17 લાયન્સ તેમજ 25 હથિયાર જપ્ત કર્યાં છે. SOG ટીમ તપાસ માટે નાગાલેન્ડ અને મણિપુર પહોંચી છે. પોલીસની કાર્યવાહી બાદ ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
