સર્વે: યુપીમાં કયા ગઠબંધનની થશે જીત?

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં રાજ્યમાં રાજકીય માહોલ ગરમ છે. સત્તાધારી ગઠબંધન સત્તા જાળવી રાખવા માટે તો વિપક્ષી ગઠબંધન સત્તા મેળવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. એ દરમિયાન મોટો સવાલ એ છે કે યુપીની જનતા શું ઇચ્છે છે? આ સવાલનો જવાબ વોટ વાઇબના સ્ટેટ વાઇબ સર્વેમાંથી મળ્યો છે. યુપીમાં મુખ્યત્વે બે ગઠબંધન છે—ભાજપના નેતૃત્વવાળું NDA અને સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળું INDIA એલાયન્સ, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. સર્વેમાં જનતાને પૂછવામાં આવ્યું હતું કે આગામી યુપી ચૂંટણીમાં તેઓ કયા ગઠબંધનની જીતની આશા રાખે છે?

સર્વેમાં જનતાના જવાબ બાદ સામે આવેલા આંકડા અનુસાર 41.1 ટકા લોકોએ ભાજપના નેતૃત્વવાળા NDAની જીતની આશા વ્યક્ત કરી છે. જ્યારે 41.2 ટકા લોકોનું માનવું છે કે અખિલેશ યાદવના નેતૃત્વવાળું INDIA અલાયન્સ પણ ચૂંટણી જીતી શકે છે. આ આંકડો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ માટે ખુશખબર તરીકે જોવામાં આવી રહ્યો છે. બંને મુખ્ય ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સર્વેમાં ઇન્ડિયા અલાયન્સને NDA કરતાં માત્ર 0.1 ટકા વધુ લોકોનું સમર્થન મળ્યું છે. બીજી તરફ, 4.4 ટકા લોકોએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) અને 2.8 ટકા લોકોએ અન્ય પક્ષો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત લગભગ 10.5 ટકા લોકો એવા છે, જેમનું કહેવું છે કે તેઓ અત્યારે કંઈ કહી શકતા નથી અને ચૂંટણી દરમિયાન જ પોતાનો નિર્ણય લેશે.

‘કાંટાની ટક્કર’ અને ધારણાની રમત

જ્યારે જનતાને પૂછવામાં આવ્યું કે તેઓ કોને મત આપશે, ત્યારે 41.8 ટકા લોકોએ NDA અને 38.7 ટકાએ INDIA એલાયન્સનું નામ લીધું હતું. આ રીતે બંને વચ્ચેના વોટ શેરનો તફાવત માત્ર 3.1 ટકા રહે છે. જોકે સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે ‘કોણ જીતશે?’ એવા સવાલ પર બંને ગઠબંધન લગભગ સમાન સ્થિતિમાં જોવા મળી. ભાજપના નેતૃત્વવાળા NDAને 41.1 ટકા અને INDIA અલાયન્સને 41.2 ટકા લોકોએ જીતની સંભાવના વ્યક્ત કરી. આ સ્થિતિ પરથી કહી શકાય કે યુપીની જનતામાં એવી ધારણા બની રહી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં NDA અને INDIA અલાયન્સ વચ્ચેની ટક્કર ખૂબ જ નજીકની અને રસપ્રદ રહી શકે છે.