સુરતમાં જૈન સમાજના કલેકટર કચેરીએ ધરણાં

સુરત: પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થતા સમગ્ર જૈન સમાજમાં રોષ ફેલાયો છે. રોષની જ્વાળા આખા રાજ્યમાં ફેલાઈ છે. સુરતમાં પણ રવિવારની રાતથી જૈન સમુદાય કલેકટર કચેરી ખાતે ધરણાં પર બેઠો છે.

જૈન મહારાજ સાહેબ અને શ્રાવકો શાંતિ પૂર્વક પોતાની માંગ પૂરી કરવા અર્થે ધરણાં કરી રહ્યા છે. કૃત્ય કરનારની જલદી ધરપકડ અને એની સામે સખત કાર્યવાહી કરવાની માંગ છે.

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)