સુરત: શહેરના મોરાભાગળ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો શુક્રવારની રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષે સામૂહિક આપઘાત કર્યાની શંકા સાથે પોલીસે તપાસ આદરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મોરા ભાગળ વિસ્તારની રાજહંસ રેસિડેન્સીના પાંચમાં માળે ફ્લેટમાં રહેતા ચાર વયસ્કોનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. જેમાં પતિ-પત્ની અને પત્નીની બે બહેનોનો સમાવેશ થાય છે.
- જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
- શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
- ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55)
- હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)
ચારેયે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. જમ્યા બાદ ચારેય સૂતા હતા અને સવારે ઊઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સોસાયટીમાં જ બાજુમાં પરિવારનો એક પુત્ર રહેતો હતો જેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યો નહીં. આથી તેની પાસે બીજી ચાવી હતી તેનાથી તેણે ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સામૂહિક આપઘાત ઉપરાંત ચારેયને ફૂડ પોઈઝિંગ થયું હોય એવી પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યાં હતાં અને બાદમાં સૂતાં હતાં, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ-પોઈઝનિંગથી ચારેયનાં મોત થયાં છે એ કહેવું હાલ મુશ્કેલ છે. તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગૂંગળામણથી મોત થયાંની શક્યતા પણ જોવાઇ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે.